ગેસ ગળતરથી ચાર કામદારોના મોત મામલે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
-ધોળકાના ધોળી ગામે ખાનગી કંપનીમાં
- કંપનીના ઈટીથી પ્લાન્ટમાં સેફ્ટી વિના ૧૦ ફૂટ ઉંડી ખુલ્લી ચેમ્બરમાં રિપેરીંગ કામ માટે ઉતારતા દુર્ઘટના સર્જાઈ
બગોદરા, તા. 19 જુલાઇ 2020, રવિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળી ગામે આવેલ ચીરીપાલ ગૃપની વિશાલ ફેબ્રીક્સ નામની કંપનીમાં તાજેતરમાં ગેસ ગળતરના કારણે ચાર યુવાન કામદારોના મોત નીપજ્યાં હતાં. જે મામલે કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના ધોળી ગામે આવેલ ચીરીપાલ ગૃપની ખાનગી વિશાલ ફેબ્રીક્સ કંપનીમાં ધોળકા સહિત આસપાસના ગામોના અનેક કામદારો ફરજ બજાવે છે ત્યારે ગેસની પાઈપલાઈનમાં અચાનક લીકેજ થતાં એક કામદાર આ લીકેજ પાઈપલાઈનનું રીપેરીંગ કામ કરવા ઉતર્યો હતો અને ગેસ ગળતરના કારણે અચાનક બેભાન થઈ જતાં કુલ ચાર કામદારો (૧) પ્રવિણભાઈ ધરમશીભાઈ રાઠોડ ઉ.વ.૨૬ (૨) મયુરભાઈ જયંતિભાઈ બારડ ઉ.વ.૧૯ (૩) પ્રભુભાઈ પુનાભાઈ રાઠોડ ઉ.વ.૨૫ અને (૪) વિજયભાઈ બાબુભાઈ બારડ ઉ.વ.૨૧ વાળાના ગેસ ગળતરના કારણે એકબીજાને બચાવવા જતાં મોત નીપજ્યાં હતાં. જે અંગેની જાણ થતાં કોઠ પોલીસ સહિત ધોળકા એએસપી, પ્રાંત અધિકારી સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં આ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં કોઈપણ જાતની સેફટી વગર ચાર જેટલાં કામદારો અંદાજે ૧૦ ફુટ નીચે ખુલ્લી ગટર જેવી જગ્યા પર મેઈન્ટેનન્સનું કામકાજ કરવા ઉતર્યા હતાં.
જ્યાં ચારેય કામદારોને ગેસની અસર થતાં મોતને ભેટયાં હતાં જ્યારે તમામ કામદારોના કોઠ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર રમેશભાઈ કાંતીભાઈ વાઘેલા વિરૂધ્ધ મહોબતસંગ રૂપાભાઈઅ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગટર જેવી જગ્યામાં કામદારોમાં મોત થયાં ત્યાં કેમીકલવાળું કેમીકલવાળું વેસ્ટ પાણીનો પણ નિકાલ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આથી કામદારોના મોત ઝેરી અસર અથવા કેમીકલથી થયાં છે તે અંગે પીએમ રીપોર્ટ તથા એફએસએલ રીપોર્ટ બાદ જ માલુમ પડશે. જ્યારે આ અંગે બાવળાના સામાજીક કાર્યકર પ્રફુલભાઈ મહેતા સહિતનાઓ કંપનીના એચઆર મેનેજર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને સેફટી વિભાગ સહિત ગુજરાત પ્રદુષણ કંન્ટ્રોલ બોર્ડ દ્વારા પણ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.