સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડી, તા. 30 જૂન 2020, મંગળવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત ધ્રાંગધ્રા અને પાટડી તાલુકામાં વધુ ૬ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે અને જિલ્લાનો કુલ કોરોના આંક અંદાજે ૧૫૦ જેટલો થવા જઈ રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી મહિલા ફરજાનાબેન રહેમાનભાઈ ખોખર ઉ.વ.૪૪, રતનપર વિશ્વકુંજ સોસાયટી વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઈ હર્ષદરાય ગાંધી ઉ.વ.૪૬ અને વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતાં ડો.દુષ્યંતસિંહ ઝાલા તેમજ ૮૦ ફુટ રોડ પર રહેતાં ૩૨ વર્ષના યુવકને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે ધ્રાંગધ્રા ખાતે હરજીવન પારેખની શેરીમાં રહેતાં જયશ્રીબેન દિપકભાઈ રાવલ ઉ.વ.૪૧ અને પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા શબીનાબેન અબ્દુલરહીમ કુરેશીને કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેઓ ૧૫ દિવસ પહેલા વિરમગામ દવા લેવા ગયાં હતાં અને ત્યારબાદ લક્ષણો જણાતાં પાંચ દિવસ પહેલા વિરમગામ અને ત્રણ દિવસ પહેલા અમદાવાદ ગયાં હતાં જ્યાં તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને ત્યાં જ રાખવામાં આવ્યાં હતાં. રીપોર્ટની માહિતી પાટડી આરોગ્ય તંત્ર પાસે આવતાં પાટડી ટીએચઓ ડો.રાજકુમાર, મામલતદર કે.એસ.પટેલ સહિતનાઓ જૈનબાદ ગામે પહોંચી ગયાં હતાં.આમ છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૬ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં અને તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટવ આંક-૧૪૬ ઉપર પહોંચ્યો હતો. જ્યારે શહેરી વિસ્તારમાં એક સાથે ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સંપર્કમાં આવેલ લોકોને ક્વોરનટાઈન કર્યા હતાં. તેમજ આસપાસના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી સ્થાનિક વિસ્તારમાં સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.


