ધોળકા તાલુકામાં 24 કલાકમાં કોરોનાથી 4 વ્યક્તિનાં મૃત્યુ
- હાલ 50 દર્દીઓ અમદાવાદમાં અને 18 દર્દીઓ ધોળકા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ
બગોદરા, તા. 15 જૂન 2020, સોમવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ધોળકા તાલુકામાં કોરોના પોઝીટીવ ચાર દર્દીઓના મોત નીપજતાં કોરોનાથી કુલ મૃત્યુ આંક ૧૮ થયો હતો.
આ ઉપરાંત ધોળકા શહેરી વિસ્તારમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં અને ધોળકા તાલુકાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૧૮૬ ઉપર પહોંચ્યો હતો. જ્યારે બીજી બાજુ ૧૦૦ જેટલાં દર્દીઓને સારવાર બાદ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે હાલ ૫૦ દર્દીઓ અમદાવાદની હોસ્પીટલ ખાતે તેમજ ૧૮ દર્દીઓ ધોળકા કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહ્યાં છે જ્યારે ૧૫ જેટલાં વ્યક્તિઓના સેમ્પલ લઈ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. જ્યારે ધોળકા આરોગ્ય અધિકારી મુનીરાબેન વ્હોરા દ્વારા ધોળકા તાલુકામાં નવા નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસ થતાં મૃત્યુ થયેલ પોઝીટીવ દર્દીઓના વિસ્તારો અને નામ મીડીયાકર્મીઓ દ્વારા માંગવા છતાં આપવામાં ન આવતાં રોષ જોવા મળ્યો હતો. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા આ અંગે સોશ્યલ મીડીયામાં ગૃપ બનાવ્યું હોવા છતાં કોરોના વાયરસના દર્દીઓ વિશે માહિતી ન આપતાં મીડીયાકર્મીઓમાં નારાજગી જોવા મળી હતી.