ચોટીલામાં 4 દિવસમાં કોરોનાના 4 કેસ : પતિ બાદ પત્નીને પણ ચેપ લાગ્યો
- ચાર દિવસમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોનામાં સપડાતા વહીવટંત્રએ દોડી જઈ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો
ચોટીલા, તા. 21 જુલાઇ 2020, મંગળવાર
ચોટીલા શહેરમાં શરૃઆતનાં ચાર માસ સુધી કોરોનાના કહરથી બાકાત રહેલ હતું પણ છેલ્લા ચાર દિવસમાં ચાર કેસની એન્ટ્રી થતા લોકોમાં ભય પ્રસરે છે.
અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પ્રથમ પોઝિટિવ એવા ખાંડી પ્લોટ નજીક રહેતા રાજેન્દ્રભાઇ મહેતાના ૪૪ વર્ષના ધર્મપત્ની સેજલબેન મહેતાનો આજે ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને હોમ આઇસોલેટ કરી તેમની સારવાર હાથ ધરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા શહેરમાં આજદિન સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયેલ નહતો પણ ગત તા. ૧૨નાં કોઇ કામ સબબ ખાનગી કારમાં અમદાવાદ ગયેલ ત્રણ વ્યક્તિઓ પૈકી એકને પ્રથમ પોઝિટિવ આવ્યા બાદ બે દિવસનાં અંતરે તેમના પરિવારમાં અન્ય બે મહિલા સદસ્યોને પણ કોરોનાનો ભરડો લાગેલ હતો તેમજ તેઓની સાથેનાં અન્ય કોન્ટેક પર્સન પૈકીના એક યુવકના માતાને પણ કોરોનાએ ભરડામાં લેતા ચોટીલામાં કોવીડ ૧૯નો આક ચાર ઉપર પહોંચેલ છે.
ચારેય દર્દીઓ તેમના ઘરે જ આઇસોલેટ કરવામાં આવેલ છે અને આરોગ્યની ટીમ દ્વારા તેઓની સારવાર સહિતની દેખરેખ રાખવામાં આવી રહેલ છે.