સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાંથી કોરોનાના વધુ 3 દર્દીને રજા અપાઇ
- મુળી તાલુકાના બે અને લખતર તાલુકાના એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા ઘેર રવાના કરાયા
સુરેન્દ્રનગર, તા.1 જૂન 2020, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે આ તમામ દર્દીઓને સારવાર હેઠળ સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી રહ્યાં છે અને સારવાર દરમ્યાન કોઈ લક્ષણો ન જણાતાં સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાંથી વધુ ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત જિલ્લાના અલગ-અલગ તાલુકાના ગામોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૩૯ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે આ તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને સમયાંતરે સારવાર બાદ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં મુળી તાલુકાના વિમલભાઈ ભટ્ટ, મુળીના ટીડાણાં ગામના ગજરાજસિંહ તથા લખતર તાલુકાના ઈંગરોળી ગામના નગરખાન મલેકને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં રજા આપવામાં આવી હતી આ તમામ દર્દીઓને ગત તા.૨૨ મે ના રોજ કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલે ખસેડાયા હતાં અને સરકારની ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી હતી જ્યારે રજા આપવામાં આવેલ તમામ દર્દીઓએ હોસ્પીટલના ડોકટર સહિતના સ્ટાફનો સારવાર અને કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાના લોકોને કોરોના વાયરસ સામે સાવચેત રહેવાં જણાવ્યું હતું. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર, સીવીલ સર્જન ડો. હરેશ વસેટીયન સહિત હોસ્પીટલનો સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.