મોટી માલવણ, રતનપર, લટુડા, બાબાજીપરા અને મોટા કંથારીયામાંથી 28 જુગારી ઝડપાયા
- ઝાલાવડના પાંચ જુગારના અડ્ડા પર દરોડા
- કુલ રૂ. 1.59 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકમાસમાં શ્રાવણીયા જુગારનું દુષણ વકર્યુ છે. પોલીસે જિલ્લામાં જુદા જુદા પાંચ સ્થળો મોટી માલવણ, રતનપર, લટુડા, બાબાજીપરા અને મોટા કંથારીયા ગામે દરોડો પાડી ૨૮ જુગારીઓને રૂા.૧,૫૯,૮૭૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
વઢવાણ તાલુકાનાં લટુડા ગામની સીમમાં ઉમય નદીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા સુરેન્દ્રનગરના ૯ શખ્સો ઝડપાઈ ગયા હતા.
જેમાં સુરેન્દ્રનગરની ફીરદોસ સોસાયટીમાં રહેતો સુરેશ સોંડાભાઈ ભંકોલીયા, લક્ષ્મીપરા શેરી નં-૨નો અરવિંદ ઉર્ફે અરકો ચતુરભાઈ વડેસા, લક્ષ્મીપરા શેરી નં-૧ મા રહેતો ફારૂક હુસેનભાઈ રફાઈ, લક્ષ્મીપરા શેરી નં-૩માં રહેતો શાહરૂખ યુસુફભાઈ બ્લોચ, મહમંદ ખાન ઉર્ફે અલ્તાફ ઉમરખાન બ્લોચ, લક્ષ્મીપરા શેરી નં-૪ ખાતે રહેતો રમેશ ઉર્ફે કચાભાઈ મોહનભાઈ સાતલપરા, બહુચર હોટલ પાસે રહેતો ઈમ્તીયાઝ ગફુરભાઈ પઠાણ, લક્ષ્મીપરા શેરી નં-૧ મા રહેતો સંજય બાબુભાઈ મકવાણા અને મહેતા માર્કેટ શ્રવણ ટોકીઝ પાસે રહેતો મનોજ ઘોઘાભાઈ ઝીંઝુવાડીયા નામના ૯ શખ્સો ઝડપાઈ ગયા હતા.
પોલીસે રોકડા રૂા.૧૩,૧૩૦, પાંચ મોબાઈલ મળી કુલ રૂા.૩૩,૬૩૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
જ્યારે સુરેન્દ્રનગરના રતનપર શેરીનં-૧૪માં રહેતો સતીષ બાબુભાઈ કોળી પોતાના ભયુ ભાગના ચામુંડા માતાજીના મઢના ઉપરના ધાબે બહારથી માણસો બોલાવી ગુડદીપાસાનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં સતીષ બાબુભાઈ બાંભણીયા, નિલેશ રાજુભાઈ ડાબેચા, સુનિલ રમેશભાઈ બાંભણીયા, રાજેશ મનસુખભાઈ લખતરીયા, વિનોદ દેવજીભાઈ સાંતલપરા, જયદીપ રમેશભાઈ બાંભણીયા અને ઈશ્વર ડાયાભાઈ સરવૈયા નામના ૭ શખ્સો ઝડપાઈ ગયા હતા.
પોલીસે રોકડા રૂા.૭૭,૦૧૦, ચાર મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૮૯,૦૧૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તેમજ ધ્રાંગધ્રા તાલુકાનાં મોટી માલવણ ગામે નવઘણભાઈ સવશીભાઈના મકાનના ખુલ્લા ફળીયામાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહીતીના આધારે પોલીસે રેડ કરતા નવઘણ સવશીભાઈ માલવણીયા, રાજેશ રમેશભાઈ સુરેલા, વિઠ્ઠલ ત્રિકમભાઈ ઉડેચા, રમેશ પુનાભાઈ ગમારા, ઘનશ્યામ નરશીભાઈ છનીયારા અને રણજીત ગાંડાભાઈ નગવાડીયા નામના ૬ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડા રૂા.૪,૩૫૦ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ઉપરાંત લખતર તાલુકાના બાબાજીપરા ગામની સીમમાં સાત તાડી મેલડી માતાના મંદિરની સામે ભડેણાના માર્ગે ખુલ્લી જગ્યામાં બેટરીના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં પ્રકાશ ચમનભાઈ બાવળીયા, લખમણ દયારામભાઈ લોહીયા અને મેલાભાઈ કાવાભાઈ કુકડીયા નામના ત્રણ શખ્સો ઝડપાઈ ગયા હતા.
જ્યારે મહેશ ઈશ્વરભાઈ લોરીયા, બળદેવ ઉર્ફે બદો દેવાભાઈ, ભરત વાઘજીભાઈ કુમાર ખાણીયા અને રાજેશ સોમાભાઈ નામના ચાર આરોપી નાસી ગયા હતા. પોલીસે રોકડા રૂા.૧૭,૬૧૦, એક મોબાઈલ વગેરે મળી રૂા.૨૨,૬૬૦ નો મુદામાલ જપ્ત કરી નાસી છુટેલા ચાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે ચોટીલા તાલુકાના મોટા કંથારીયા ગામે ઓળકીયા પરિવારના માતાજીના મઢ નજીક ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં રામાભાઈ પાંચાભાઈ ઓળકીયા, નરશીભાઈ કુકાભાઈ ઓળકીયા અને પ્રભાતભાઈ ધનજીભાઈ ડેડાણીયા નામના ૩ શખ્સો જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસે રોકડા રૂા.૧૦,૨૨૦ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.