ધોળકામાં કોરોના પોઝિટિવનો વધુ 1 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ
- શહેરના બાબુડી ચોક વિસ્તારના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડયો
બગોદરા, તા.1 જૂન 2020, સોમવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં દિન-પ્રતિદિન સંક્રમણ પણ વધી રહ્યું છે જેના કારણે કોરોના વાયરસના દર્દીઓના મોત નીપજી રહ્યાં છે. ત્યારે ધોળકા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ બે દર્દીઓના હોસ્પીટલમાં મોત નીપજ્યાં હતાં અને ધોળકા તાલુકામાં કોરોનાથી મોતનો આંક કુલ ૬ પહોંચ્યો હતો જ્યારે વધુ એક કેસ ધોળકા શહેરી વિસ્તારના બાબુડી ચોકમાં રહેતાં વ્યક્તિનો નોંધાયો હતો જેને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં ૨૪ કલાકમાં બે કોરોના પોઝીટીવ દર્દીઓના મોત નીપજતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ધોળકામાં કોરોના વાયરસના રીપોર્ટ ન કરાવ્યા હોય તેવા પણ લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી. જ્યારે આ સાથે ધોળકા તાલુકામાં કોરોના વાયરસના કારણે મોતની સંખ્યા ૬ ઉપર પહોંચી હતી ત્યારે ધોળકા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસોની વિગત જોઈએ તો અત્યાર સુધીમાં કુલ ૮૫ કેસ નોંધાયા છે જે પૈકી શહેરી વિસ્તારમાં ૬૮ અને ગ્રામ્ય વિસ્તારમા ૧૭નો સમાવેશ થાય છે. ત્યારે કુલ ૬૦ દર્દીઓ સાજા થયાં છે અને હાલ ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તેમજ આ કેસોમાં ૫૮ જેટલાં કેસ ધોળકા તાલુકાની કેડીલા કંપનીના કર્મચારીઓના નોંધાયા છે. આમ ધોળકા તાલુકામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.