લીંબડી-રાજકોટ હાઈ-વે પર પિક-અપ વાન પલટી જતા 1 વ્યક્તિનું મોત
- મંગળકૂઈના ખેડૂતો શાકભાજી વેચવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો : અન્ય ચારને ઈજા
સાયલા, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-રાજકોટ હાઈવે પર ઢેઢુકી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપ ગાડી પલટી મારી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના મંગળકુઈ ગામના ખેડુતો શાકભાજી ભરીને વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરવા બોલેરો પીકઅપ ગાડી લઈ જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન ઢેઢુકી ગામનાં પાટીયા પાસે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે ગાડીમાં ભરેલ શાકભાજીનો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી.