ધ્રાંગધ્રામાં રેલવે સ્ટેશન પાસે લોખંડનો થાંભલો એકાએક તૂટી પડતા 1 નું મોત
- પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી
- સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તાર ફેન્સીંગ ન કરાતા એકનો ભોગ લેવાયો હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા, તા.૧૪ જૂન 2020, રવિવાર
ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન પાસે આવેલ એક મંદિર નજીક રેલ્વેનો લોખંડનો થાંભલો એક વ્યક્તિ માથે પડતાં ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન પાસે આવેલ એક મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં રેલ્વે વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી હતી. જે દરમ્યાન ઈલેકટ્રીકના લોખંડના થાંભલાના ખડકલા કરવામાં આવ્યાં હતાં જેમાં બે લોખંડના થાંભલાના ખડલા વચ્ચે લોકો પેશાબ કરવા અવાર-નવાર ત્યાં જતાં હતાં.
જે દરમ્યાન ત્યાં પેશાબ કરવા જતાં ઉપરથી લોખંડના ઈલેકટ્રીક થાંભલો માથા પર પડતાં મંદિરની નજીક રહેતાં શખ્સ પંકજભાઈ મુકેશભાઈ મકવાણા નામના શખ્સને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ધ્રાંગધ્રાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું ત્યારે સ્થાનિકોએ આ અંગે રેલ્વે તંત્ર સામે રોષ દાખવ્યો હતો અને રેલ્વે વિભાગ દ્વારા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ મુકતાં પહેલાં ફરતી ફેન્શીંગ કરવી જોઈએ તેમજ આ મામલે કોન્ટ્રાક્ટરને સ્થાનિકો દ્વારા અવાર-નવાર રજુઆતો કરવા છતાં ફેન્શીંગ ન કરી હોવાનું સામે આવ્યું હતું.
અને ૧૦ જેટલાં ઈલેકટ્રીક થાંભલા મુકવાની મંજુરી હોવા છતાં ૨૦થી વધુ થાંભલાઓ મુક્યાં હોવાનું પણ બહાર આવ્યું હતું તેમજ આ જગ્યા પર સીક્યોરીટી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ રેલ્વે વિભાગની બેદરકારીના કારણે વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે ઉચ્ચકક્ષાએ તપાસ હાથધરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. જ્યારે આ બનાવને પગલે અમૃતભાઈ હરીભાઈ મકવાણાએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.