Surat

સુરતના અનેક વિસ્તારોમાં રહેશે પાણીકાપ, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરીમાં ટાંકી લીકેજ થતાં પુરવઠો ખોરવાયો

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના રિંગ રોડ પર MMTH કામગીરી દરમિયાન 900 મી.મી. વ્યાસની પાણીની લાઇનમાં લીકેજ થતાં સમારકામ હાથ ધરાશે. 22 ઓક્ટોબરે સેન્ટ્રલ, વરાછા, ઉધના, અઠવા અને કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં પાણીકાપ રહેશે. 21મી રાત્રે 11થી 23મી સવારે 5 વાગ્યા સુધી કામ ચાલશે. પાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે. 23મીએ પણ ઓછા પ્રેશરથી પાણી મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના અનેક વિસ્તારોમાં રહેશે પાણીકાપ, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરીમાં ટાંકી લીકેજ થતાં પુરવઠો ખોરવાયો

Surat Water Supply Disruption: સુરતના રિંગ રોડ પર ફાલસાવાડી પોલીસ સ્ટેશન સામે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ(MMTH)ની કામગીરી દરમિયાન લીકેજ થયેલી 900 મી.મી. વ્યાસની મુખ્ય પાણીની લાઇનનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે 22મી ઓક્ટોબરે સેન્ટ્રલ ઝોનના ઉત્તર અને દક્ષિણ વિભાગ સહિત વરાછા, ઉધના, અઠવા અને કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે. 21મી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યાથી શરૂ થનારી કામગીરી 23મીની સવારે 5 વાગ્યા સુધી ચાલશે. પરિણામે 22મીએ નાગરિકોને પાણીકાપનો સામનો કરવો પડશે, જ્યારે 23મીએ પણ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા નહિવત્ પ્રમાણમાં પાણી મળવાની શક્યતા છે. પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરતના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે

પાલિકાના જણાવ્યા અનુસાર, સમારકામની કામગીરીને કારણે સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં સવારે 5થી 8 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. રાજમાર્ગથી દક્ષિણ તરફના બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા અને સોની ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તારના પાણીપુરવઠાને પણ અસર થશે.

ક્યા-ક્યા પાણીપુરવઠો ખોરવાશે?

સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગમાં સાંજે 6.25થી રાત્રે 11 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. દિલ્હીગેટથી ચોકબજાર તથા રાજમાર્ગથી ઉત્તર તરફના મહીધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર અને નાણાવટ સહિતના વિસ્તારોમાં નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. વરાછા ઝોનના પૂર્વ ઝોન-એના કેટલાક વિસ્તારોમાં બપોરે 12.30થી 3.45 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વિનીકુમાર, ફૂલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠાને અસર થશે. ઉધના ઝોનમાં ઉધના ગામતળ, શાંતિનગર, મીરાનગર, ઉદ્યોગનગરથી મઢીની ખમણી સુધીનો વિસ્તાર, ખટોદરા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, સિવિલ હોસ્પિટલ, નવજીવન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, શાસ્ત્રીનગર, ગાંધીનગર, ચંદનવન, ગાયત્રીનગર-1 અને 2 તથા લક્ષ્મીનગર પોસ્ટલ કોલોની સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠો ખોરવાશે.

અઠવા ઝોનમાં અઠવાગેટ, લાલબંગલો, ઘોડદોડ રોડ અને ભટાર રોડની સોસાયટીઓમાં સવારે 5થી 8 વાગ્યા સુધી પાણી નહીં મળે. જ્યારે સિટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, એસવીએનઆઈટી અને વીએનએચયુ કેમ્પસમાં સવારે 8.30થી બપોરે 12.30 વાગ્યા સુધી પાણીપુરવઠાને અસર થશે.કતારગામ ઝોનમાં કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ અને આસપાસના વિસ્તારોમાં સવારે 8.30થી બપોરે 12.30 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

મુખ્ય પાણીની લાઇનના સમારકામને કારણે પાણીકાપ

આમ, મુખ્ય પાણીની લાઇનના સમારકામને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ સમયે પાણીકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ પાણીની લાઇનમાં સામાન્ય દબાણ પુનઃસ્થાપિત થતાં સમય લાગવાની શક્યતા હોવાથી 23મી ઓક્ટોબરે પણ પાણીપુરવઠો ઓછા પ્રેશરથી મળી શકે છે.