સુરત: નિર્મળ ગુજરાત 30 ઈલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: શહેરની સફાઈ વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સુરત પાલિકા દ્વારા 360 સફાઈ કર્મચારીઓને કુલ 36 લાખ રૂપિયાના નાણાકીય પ્રોત્સાહન એવોર્ડ આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરીને પ્રત્યેકને 10 હજાર રૂપિયા આપવાનું નક્કી કરાયું છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અંગે નાગરિકોમાં વધુ જાગૃતિ લાવવા અને ગુજરાતને સ્વચ્છતાના ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા નિર્મળ ગુજરાત 2.0 યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સફાઈ કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓની પસંદગી કરીને તેમને માસિક ધોરણે નાણાકીય એવોર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકાઓને ઇલેક્શન વોર્ડ દીઠ દર મહિને 10 હજાર રૂપિયાની સહાય ફાળવવામાં આવે છે. સરકારની માર્ગદર્શિકા મુજબ મહાનગરપાલિકાના દરેક ઇલેક્શન વોર્ડ માંથી દર મહિને એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવાની હોય છે. આ પસંદગીની જવાબદારી નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા ઝોનલ ચીફ ને સોંપવામાં આવી છે. સુરત પાલિકામાં ઝોનલ ચીફ અને નાયબ આરોગ્ય અધિકારીઓ દ્વારા એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળા માટે 30 ઇલેક્શન વોર્ડમાંથી કુલ 360 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.
આ યોજના હેઠળ વર્ષ 2025-26 માટે સુરત પાલિકાને કુલ 36 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમાં 30 ઇલેક્શન વોર્ડ માટે દર મહિને 10 હજાર રૂપિયા લેખે 12 મહિનાની રકમનો સમાવેશ થાય છે. પસંદગી પામેલા કર્મચારીઓને એવોર્ડની રકમ રોકડમાં આપવાને બદલે તેમના બેંક ખાતામાં આરટીજીએસ અથવા ઓનલાઇન માધ્યમથી સીધી જમા કરાવવાની દરખાસ્તમાં જોગવાઈ કરવામાં આવી છે.




