સુરત પાલિકાની હોસ્પિટલોમાં 1 દિવસની દવા માત્ર ₹10માં મળશે, 1572 પ્રકારની દવા-સાધનોના વર્ક ઓર્ડર અપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને હવે દવાના ખર્ચમાં મોટી રાહત મળવાની આશા છે. સ્મીમેર, મસ્કતી સહિત પાલિકાની તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં એક દિવસની દવા માત્ર 10 રૂપિયામાં આપવાનું આયોજન કરાયું છે. પાલિકાએ સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા 35.79 કરોડ રૂપિયાના ખર્ચે 1572 પ્રકારની દવા અને સારવારના સાધનો ખરીદવાના વર્ક ઓર્ડર આપ્યા છે. આ દવાઓની છૂટક બજારમાં ડિસ્કાઉન્ટ વિનાની અંદાજિત કિંમત 150 કરોડ રૂપિયાની આસપાસ થતી હોવાનું જણાવાઈ રહ્યું છે. આજે(9 ઓક્ટોબર) મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. આ વ્યવસ્થાનો અમલ થતાં રોજના પાંચ હજારથી વધુ દર્દીઓને દવાનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
સુરત પાલિકાની હોસ્પિટલોમાં કોઈપણ રોગની 1 દિવસની દવા માત્ર ₹10માં મળશે
પાલિકાની હોસ્પિટલોમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓ માટે દવા ખરીદવાનો ખર્ચ પણ આર્થિક બોજ બની રહે છે. સ્મીમેર હોસ્પિટલમાં રોજ આશરે 3500 દર્દીઓ સારવાર માટે આવે છે, જ્યારે 50 બેડની હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ અને પાલિકાનાં આરોગ્ય કેન્દ્રો મળીને રોજના પાંચ હજારથી વધુ દર્દીઓ સારવાર લે છે. આવા દર્દીઓને જરૂરી દવાઓ બહારથી ખરીદવી ન પડે અને નાણાંના અભાવે સારવાર અધૂરી ન રહે તે હેતુથી પાલિકાએ દવાઓની જથ્થાબંધ ખરીદી કરીને રાહત દરે વિતરણ કરવાની વ્યવસ્થા હાથ ધરી છે.
1572 પ્રકારની વસ્તુઓની ખરીદી માટે 35.79 કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર
સ્થાયી સમિતિની બેઠકમાં દવા અને સારવારનાં સાધનોની ખરીદી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠક બાદ માહિતી આપતાં સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા 1572 પ્રકારની વસ્તુઓની ખરીદી માટે 35.79 કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન, ગ્લોવ્ઝ, વેનફ્લો સહિત સારવારમાં ઉપયોગી સામગ્રીનો સમાવેશ થાય છે. જથ્થાબંધ ખરીદીથી પાલિકાને આર્થિક ફાયદો થશે અને દર્દીઓને પણ સસ્તા દરે દવા ઉપલબ્ધ કરાવી શકાશે.
દવાની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં પાલિકાએ તમામ હોસ્પિટલ અને સંબંધિત વિભાગો પાસેથી સૌથી વધુ જરૂરિયાત ધરાવતી દવાઓની વિગતો મંગાવી હતી. તેના આધારે દવા અને સારવારનાં સાધનોની ખરીદીની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. લાંબા સમયથી અટકેલી આ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થયો છે.
સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ ઉપરાંત પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં પણ આ દવાઓ પહોંચાડવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોમાં સરકાર તરફથી ઉપલબ્ધ ન થતી જરૂરી દવાઓ પણ પાલિકાની ખરીદીના જથ્થામાંથી આપવાનું આયોજન છે. સાથે જ હોસ્પિટલોમાં જેનરિક દવાઓનો સ્ટોર શરૂ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં દવાનો જથ્થો પહોંચાડવા અને વિતરણ વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દર્દીઓને એક દિવસની દવા માત્ર 10 રૂપિયામાં આપવાની સુવિધા શરૂ કરાશે. આ વ્યવસ્થા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને દવાના વધતા ખર્ચમાંથી રાહત આપી શકે છે.
ઓપરેશન માટે પણ દર્દીઓએ બહારથી એસેસરીઝ ખરીદવી નહીં પડે
સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને ઓપરેશન સમયે જરૂરી દવાઓ અને સાધનો બહારથી ખરીદવાની ફરજ પડતી હોવાની સમસ્યામાં હવે રાહત મળવાની આશા છે. અત્યાર સુધી ઓપરેશન દરમિયાન જરૂરી ઇન્જેક્શન, દવાઓ, માસ્ક, ગ્લોવ્ઝ સહિતની સામગ્રી દર્દીઓ અથવા તેમના સ્વજનોને બહારથી લાવવાનું કહેવામાં આવતું હતું. તેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પર વધારાનો ખર્ચ પડતો હતો.
આગામી દિવસોમાં જેનરિક દવાની સુવિધા શરૂ થવાની સાથે જ ઓપરેશનમાં વપરાતી જરૂરી દવાઓ અને સાધનો પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ વ્યવસ્થા અમલમાં આવતાં દર્દીઓએ ઓપરેશન માટે જરૂરી સામગ્રી ખરીદવા બહાર મેડિકલ સ્ટોરનાં ધક્કા ખાવા નહીં પડે અને વધારાના ખર્ચમાંથી પણ રાહત મળી શકશે. જો કે, આ સુવિધાનો વાસ્તવિક લાભ દવાઓ અને સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થયા બાદ મળશે.




