Surat

દિવાળીમાં પરંપરાગત નાસ્તા બનાવવાની ધમધમાટ ઘરોમાંથી બજારમાં પહોંચી : નાસ્તાની માંગ વધતા મહિલાઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
સુરતમાં દિવાળી નજીક આવતા પરંપરાગત નાસ્તા જેવા કે ઘુઘરા, ચકરી, મઠિયાં, ચેવડો બનાવવાની ધમધમાટ શરૂ થઈ છે. પહેલાં ઘરમાં બનતા નાસ્તાનું સ્થાન હવે બજારમાં તૈયાર મળતા નાસ્તાએ લીધું છે. અનેક મહિલાઓ ઘરે જ નાસ્તા બનાવીને વેચાણ કરી રહી છે, જે તેમના માટે રોજગારીનું સાધન બન્યું છે. આમ, દિવાળીના નાસ્તાની પરંપરા ઘરના રસોડામાંથી બજાર સુધી પહોંચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીમાં પરંપરાગત નાસ્તા બનાવવાની ધમધમાટ ઘરોમાંથી બજારમાં પહોંચી : નાસ્તાની માંગ વધતા મહિલાઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

Surat Diwali Special : દિવાળી નજીક આવતા જ એક સમયે ઘરના રસોડામાં ઘુઘરા, ચકરી, મઠિયાં, ચેવડો, સેવ અને ગાંઠિયા સહિતના પરંપરાગત નાસ્તા બનાવવાની ધમધમાટ શરૂ થઈ જતી હતી. પરિવારની મહિલાઓ દિવસો અગાઉથી નાસ્તાની તૈયારીમાં લાગી જતી હતી અને પરિવારના સભ્યો પણ આ કામમાં સહભાગી બનતા હતા. પરંતુ સમયની સાથે આ પરંપરાનું સ્થાન બજારમાંથી તૈયાર નાસ્તો ખરીદવાના ચલણે લઈ લીધું છે. હવે મોટાભાગના પરિવારો ઘરે નાસ્તો બનાવવાને બદલે બજાર પર આધાર રાખી રહ્યા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બજારોમાં પણ પરંપરાગત નાસ્તા અને મીઠાઈ મળતી થઈ છે. જેથી અનેક મહિલાઓ ઘરે જ નાસ્તાનું ઉત્પાદન કરીને વેચાણ કરી રહી છે. આમ, દિવાળીના નાસ્તાની પરંપરા ભલે ઘરના રસોડામાંથી બજાર સુધી પહોંચી હોય, પરંતુ તેની સાથે સંકળાયેલો સ્વાદ અને ઉત્સાહ આજે પણ યથાવત છે. દિવાળીના તહેવારમાં નાસ્તાની સાથે મીઠાઈઓનું પણ વિશેષ મહત્ત્વ છે.
ખાસ કરીને ઘુઘરા, મોહનથાળ, મગજ, લાડુ, શક્કરપારા, મીઠી સેવ અને સક્કરપાળીની સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓની માંગ રહે છે. જ્યારે નાસ્તામાં ચકરી, મઠિયાં, ફરસી પૂરી, ખાખરા, સેવ, ગાંઠિયા, ચેવડો, પૌંઆનો ચેવડો, મસાલા પૂરી, ચોળાફળી અને તીખી પૂરી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલાક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી રીત મુજબ ચોક્કસ નાસ્તા અને મીઠાઈ બનાવવાની પરંપરા પણ જળવાઈ રહી છે. ઘરે નાસ્તો બનાવવાનું પ્રમાણ ઘટતા બજારમાં તૈયાર નાસ્તાની વિવિધ જાતો ઉપલબ્ધ થઈ રહી છે. ગ્રાહકો પોતાની પસંદગી અને જરૂરિયાત પ્રમાણે અડધો કિલો, એક કિલો કે મિશ્ર નાસ્તાની ખરીદી કરી રહ્યા છે.
ખાસ કરીને પરિવારના સભ્યો અને મહેમાનો માટે અલગ અલગ પ્રકારના નાસ્તા ખરીદવાનું ચલણ વધ્યું છે. પરંપરાગત વાનગીઓની સાથે હવે વિવિધ સ્વાદના નાસ્તા પણ બજારમાં વેચાઈ રહ્યા છે બીજી તરફ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અનેક મહિલાઓએ ઘરઆધારિત નાસ્તાના વ્યવસાયને રોજગારીનું સાધન બનાવ્યું છે. મહિલાઓ પોતાના ઘરે જ ચકરી, મઠિયાં, ચેવડો, ઘુઘરા અને અન્ય વાનગીઓ બનાવીને ઓળખીતા ગ્રાહકો તેમજ અગાઉથી મળેલા ઓર્ડર મુજબ વેચાણ કરી રહી છે. આ રીતે ઘરે નાસ્તો બનાવવાની પરંપરા ભલે ઘટી રહી હોય, પરંતુ ગૃહ ઉદ્યોગના માધ્યમથી પરંપરાગત વાનગીઓનો સ્વાદ જાળવી રાખવાની સાથે અનેક મહિલાઓને આવકનું સાધન પણ મળી રહ્યું છે.
દિવાળીના નાસ્તાએ મહિલાઓ માટે રોજગારીના દ્વાર ખોલ્યાં
દિવાળીના નાસ્તાની વધતી માંગને પગલે અનેક મહિલાઓએ ઘર આધારિત નાસ્તાના વ્યવસાયને રોજગારીનું સાધન બનાવ્યું છે. કેટલીક સામાજિક સંસ્થાઓ અને મહિલા મંડળો પણ મહિલાઓને નાસ્તા બનાવવા, પેકિંગ કરવા અને વેચાણની કામગીરી સાથે જોડીને સ્વરોજગારીની તક પૂરી પાડી રહ્યાં છે. આ રીતે દિવાળીના નાસ્તાનું બજાર માત્ર ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરતું નથી, પરંતુ અનેક મહિલાઓ માટે આવકનો સ્ત્રોત પણ બની રહ્યું છે.