Surat

'એક પેડ મા કે નામ' અભિયાન સામે વૃક્ષોનું નિકંદન : સુરતમાં જાહેર ફૂટપાથ પરના વૃક્ષો જોખમમાં, 9 મોટા વૃક્ષોનું નિકંદન નીકળ્યાની ફરિયાદ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં જાહેર ફૂટપાથ પરનાં વૃક્ષો કપાઈ રહ્યાની ફરિયાદો વચ્ચે નાના વરાછા-સીમાડા નાકા પાસે 9 મોટાં વૃક્ષો કાપી નખાયાની ગંભીર રજૂઆત કમિશનરને કરાઈ છે. પર્યાવરણપ્રેમીએ ફોટોગ્રાફ્સ સાથે બિલ્ડર અને પાલિકાના ગાર્ડન વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે. ગેરકાયદેસર કાપકામ થયું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એક પેડ મા કે નામ' અભિયાન સામે વૃક્ષોનું નિકંદન : સુરતમાં જાહેર ફૂટપાથ પરના વૃક્ષો જોખમમાં, 9 મોટા વૃક્ષોનું નિકંદન નીકળ્યાની ફરિયાદ

Surat Corporation : વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા અને ઉછેરવાની અપીલ થઈ રહી છે, ત્યારે સુરતમાં જાહેર ફૂટપાથ પર ઉછરેલાં મોટાં વૃક્ષો કપાતાં હોવાની ફરિયાદોએ પાલિકાના ગાર્ડન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. નાના વરાછા-સીમાડા નાકા પાસે વિશાળ પીપળાના વૃક્ષો સહિત નવ મોટાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાની રજૂઆત કમિશનરને કરવામાં આવી છે. ક્યાંક વૃક્ષોની ડાળી કાપવાના નામે આખા વૃક્ષને નુકસાન પહોંચાડવામાં આવે છે, તો ક્યાંક વૃક્ષો થડથી જ કાપી નાખવામાં આવતાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જાહેર ફૂટપાથ પરનાં વૃક્ષો કાપવા માટે મંજૂરી કોણે આપી અને ગેરકાયદે કાપકામ થયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થઈ, તેવા સવાલો વચ્ચે સમગ્ર પ્રકરણની તપાસ કરાવી બિલ્ડર સહિત જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
છેલ્લા ઘણાં સમયથી સુરત પાલિકાના ફુટપાથ અને રસ્તા પર મોટા થયેલા વૃક્ષોનું નિકંદન કઢાતા હોવાની ફરિયાદ થઈ રહી છે આ ફરિયાદ વચ્ચે મોટા વરાછામાં એક બે નહી પરંતુ નવ મોટો વૃક્ષો કાપી નંખાયાની ગંભીર ચોંકાવનારી ફરિયાદ બહાર આવી છે. નાના વરાછા-સીમાડા નાકા પાસે જાહેર ફૂટપાથ પર ઊછરેલાં વિશાળ પીપળાનાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હોવાની ફરિયાદમાં બિલ્ડર અને પાલિકાના ગાર્ડન વિભાગના જવાબદાર કર્મચારીઓની ભૂમિકા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પર્યાવરણપ્રેમીએ કમિશનરને કરેલી રજૂઆતમાં સ્થળ પરનાં વૃક્ષો કપાયાં હોવાના ફોટોગ્રાફ્સ અને જીપીએસ મેપના આધારે તપાસ કરવાની માગ કરી છે. રજૂઆત મુજબ, નવ મોટાં વૃક્ષો ઉપરાંત સાઇનબોર્ડ પાસેનું એક વૃક્ષ પણ કાપી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ છે. પર્યાવરણપ્રેમીએ રજૂઆતમાં માગ કરી છે કે વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યાં હોય તો જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે.
બીજી તરફ, જો વૃક્ષો કાપવા માટે પાલિકાએ જ મંજૂરી આપી હોય તો કયા કારણોસર અને કયા નિયમો હેઠળ મંજૂરી આપવામાં આવી તેની પણ તપાસ થવી જોઈએ. જાહેર ફૂટપાથ પરનાં વૃક્ષો કોઈના અંગત હિત માટે દૂર કરવામાં આવ્યાં છે કે નહીં, મંજૂરીની શરતોનું પાલન થયું છે કે નહીં અને ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી કે નહીં તેવા મુદ્દાઓની તપાસ કરવાની માગ ઊઠી છે. વૃક્ષો કાપવાની ફરિયાદો માત્ર રજૂઆત પૂરતી સીમિત ન રહે, પરંતુ સ્થળ તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિતો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.