Surat

બે બ્રિજ ઓછા બનાવો, પણ સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં અટકાવજો : પુર્વ શાસક પક્ષ નેતા

By GS Team
27 Oct 20263 mins read
TukuTouch Logo
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે ખાદ્યપદાર્થોમાં ભેળસેળનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોગ્ય વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી, જણાવ્યું કે ભેળસેળ એવી વસ્તુઓમાં પણ થાય છે જેની કલ્પના પણ ન કરી હોય. સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા કડક તપાસની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બે બ્રિજ ઓછા બનાવો, પણ સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં અટકાવજો : પુર્વ શાસક પક્ષ નેતા

Surat Corporation : સુરતમાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ સામે પાલિકાનો આરોગ્ય વિભાગ અસરકારક અંકુશ મૂકવામાં નિષ્ફળ રહ્યો હોવાનો આક્ષેપ હવે ભાજપના જ નેતાએ કર્યો છે. ભેળસેળ સામે કાયદા કડક બનાવવા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી વારંવાર રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં નક્કર પરિણામ આવ્યું નથી, ત્યારે આજે પાલિકાની સામાન્ય સભામાં પૂર્વ શાસક પક્ષ નેતાએ ભેળસેળનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. સુરતમાં ન ધારેલી વસ્તુઓમાં પણ ભેળસેળ થઈ રહી હોવાની ચોંકાવનારી વાત સાથે તેમણે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. શહેરમાં વિકાસના નામે બે બ્રિજ ઓછા બનાવો તો ચાલશે, પરંતુ સુરતીઓના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવવા પડશે તેવી ટકોર કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની કડક તપાસ કરવા માંગ કરી હતી.
સુરત પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપૂતે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળનો મુદ્દો ઉઠાવી આરોગ્ય વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં ભેળસેળનું પ્રમાણ એટલી હદે વધી રહ્યું છે કે હવે જે વસ્તુમાં ભેળસેળ થવાની કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓમાં પણ ભેળસેળ થઈ રહી છે. લોકો રોજિંદા જીવનમાં જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે છે તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આવી સ્થિતિમાં પાલિકાએ માત્ર વિકાસ કાર્યો પાછળ દોડવાને બદલે લોકોના આરોગ્યની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. રાજપૂતે ભેળસેળની ગંભીરતા સમજાવતાં કહ્યું હતું કે, પહેલાં એવું કહેવાતું હતું કે દારૂનું સેવન કરવાથી માણસનું આયુષ્ય દસ વર્ષ અને ગુટખા-તમાકુ ખાવાથી વીસ વર્ષ ઘટી શકે છે. પરંતુ આજે ખાદ્યપદાર્થોમાં જે રીતે ભેળસેળ થઈ રહી છે તે જોતાં આવો ખોરાક ખાવાથી માણસનું મૃત્યુ 40 વર્ષ વહેલું આવી શકે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદનથી સામાન્ય સભામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
તેમણે બાળકોના પ્રિય એવા કેકના ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કેકમાં કેરેમલ કલર સહિતના રંગોનો ઉપયોગ થાય છે. આવા રંગોના ઉપયોગથી કેન્સરનું જોખમ વધતું હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે તેની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી. કેક સહિતના ખાદ્યપદાર્થોનું બજારમાં મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, ત્યારે તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા ચકાસવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા કાયદામાં જોગવાઈ હોવા છતાં તેનો અસરકારક અમલ થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજપૂતે અધિકારીઓને પણ ટકોર કરતાં કહ્યું હતું કે, બજારમાં વેચાતા આ ખાદ્યપદાર્થો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ પાલિકાના અધિકારીઓનાં સંતાનો પણ ખાય છે. તેથી ભેળસેળનો મુદ્દો કોઈ એક વ્યક્તિ કે પરિવારનો નહીં, પરંતુ સમગ્ર શહેરના આરોગ્ય સાથે જોડાયેલો છે. 'સુરતનું જમણ અને કાશીનું મરણ' જેવી કહેવતથી જાણીતા સુરતમાં જ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય તે ચિંતાજનક બાબત છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી દ્વારા ભેળસેળ કરનારાઓ સામે કાયદા વધુ કડક બનાવવા માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ દિશામાં નક્કર પરિણામ નહીં આવતાં હવે પાલિકાના ભાજપના જ પૂર્વ શાસક પક્ષ નેતાએ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે. ભેળસેળ સામે કડક કાર્યવાહી અને ખાદ્યપદાર્થોની નિયમિત તપાસની માગ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, શહેરમાં બે બ્રિજ ઓછા બનશે તો ચાલશે, પરંતુ સુરતીઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં.