Surat

સુરતની 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટ્યું, ચાર જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા, પરિસરમાં અફરાતફરી

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના ઉધના રોડ નંબર 2 પર આવેલી 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઈલર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 4 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર મિલ પરિસરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી પર ફરી સવાલ ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટ્યું, ચાર જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા, પરિસરમાં અફરાતફરી

Surat Krishna Dyeing Mill Boiler Blast: સુરતમાં ઔદ્યોગિક સલામતી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો કરતી ઘટના બની છે. ઉધના ખાતે આવેલા રોડ નંબર 2 પર ધમધમતી 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટવાની દુર્ઘટના સર્જાઈ છે.

ચાર જેટલા શ્રમિકો દાઝી ગયા

આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર મિલ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો, જેની સાથે જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બોઇલર બ્લાસ્ટની ચપેટમાં આવી જવાથી ચાર જેટલા શ્રમિકો ગંભીરરૂપે દાઝી ગયા છે, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અચાનક ટેકનિકલ ખામી કે પ્રેશર વધવાને કારણે બોઇલર ફાટ્યું હોવાનો અંદાજો

ફેક્ટરીમાં રૂટિન કામકાજ ચાલુ હતું તે વેળાએ અચાનક ટેકનિકલ ખામી કે પ્રેશર વધવાને કારણે બોઇલર ધડાકાભેર ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રચંડ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના એકમોના શ્રમિકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.

ચારેય પીડિતો અંદાજે 50થી 55 ટકા જેટલા દાઝી ગયા

આ દુર્ઘટનામાં નજીકમાં ફરજ બજાવી રહેલા વિકાસ કદમ (34), સૂરજ (21), દીપક પાટીલ (36) અને કરણ (34) નામના ચાર કામદારો આગની ચપેટમાં આવીને ગંભીર રીતે દાઝી ગયા છે. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ, આ તમામ ચારેય પીડિતો અંદાજે 50થી 55 ટકા જેટલા દાઝી ગયા છે અને બાહ્ય ઈજાઓને ધ્યાનમાં રાખી તેમની હાલત અત્યંત નાજુક છે.

ફાયર વિભાગની 15 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ

ફાયર વિભાગે કહ્યું હતું કે સાંજે 5 વાગ્યે ઓઈલ અને અન્ય સામગ્રીમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો, અને ત્યારબાદ આશરે 6 વાગ્યે બોઇલર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ઇન્ડસ્ટ્રીયલ પરિસરમાં ફેલાઈ ગઈ હતી. વિકટ બનેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અંદાજે 15 ગાડીઓ અને 80થી વધુ જવાનોએ ભારે જહેમત કરી હતી. હાલ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવાઈ છે, ત્યારે આ બોઇલર બ્લાસ્ટ પાછળનું અસલી કારણ શું હતું અને મિલમાં સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની સઘન તપાસ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.