Yuvraj Singh Reaction on Virat Kohli batting in Vadodara : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક પ્રથમ વન-ડે મેચમાં ભારતે 4 વિકેટે વિજય મેળવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ જીતનો અસલી હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, કોહલી તેની 54મી વન-ડે સદી અને 85મી આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરવામાં માત્ર 7 રનથી ચૂકી ગયો હતો.

યુવરાજ સિંહની વાઈરલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
વિરાટ કોહલી 93 રન પર આઉટ થતા જ આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર યુવરાજ સિંહે પણ ટીવી પર આ મેચ જોતી વખતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. યુવરાજે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિરાટનો ફોટો શેર કરતા લખ્યું:
"ખૂબ સરસ રમ્યો કિંગ કોહલી! હંમેશા મજબૂતીથી ઉભો રહે છે અને જ્યારે જરૂર હોય ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. કમનસીબે સદી ચૂકી ગયો - તું આ સદીનો પૂરો હકદાર હતો!"
નર્વસ નાઈન્ટીઝ (90s) નો શિકાર અને નવા રેકોર્ડ્સ
વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં આ સાતમી વખત બન્યું છે જ્યારે વિરાટ કોહલી 90 થી 100 ની વચ્ચે આઉટ થયો હોય. જોકે, આ 93 રનની ઇનિંગ દરમિયાન કોહલીએ ક્રિકેટ જગતના દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો: વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે શ્રીલંકાના લિજેન્ડ કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે.
ઝડપી 28 હજાર રન: કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન પૂરો કરનાર ખેલાડી બન્યો છે.
પ્લેયર ઓફ ધ મેચ: તેની મેચ વિનિંગ ઇનિંગ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. આ તેનો 71મો આંતરરાષ્ટ્રીય પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો.
સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક
હવે વિરાટ કોહલીની નજર સચિન તેંડુલકરના સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડના રેકોર્ડ પર છે. સચિન 76 વખત આ એવોર્ડ જીત્યો છે, જ્યારે વિરાટ હવે માત્ર 5 એવોર્ડ દૂર છે.


