ધોનીનો અંતરાત્મા દોષિત, તેણે ટીમ બરબાદ કરી નાંખી... યુવરાજ સિંહના પિતાનું નિવેદન
Yuvraj Singh's father On MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ તેનો 5 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ છે. આ વીડિયોમાં પઠાણ ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થવા અંગે વાત કરી રહ્યો છે. આ વીડિયોમાં ઈરફાન કહે છે કે 'મારી આદત કોઈના રૂમમાં જઇ હુક્કા પાર્ટી કરવી કે કોઈ ફાલતુ વાત કરવાની નથી. ક્યારેક-ક્યારેક બોલવું પણ સારું હોય છે. એક ખેલાડીનું કામ મેદાન પર સારો દેખાવ કરવાનું છે અને મારું ધ્યાન મારી રમત પર હતું'
ઇરફાને આ વીડિયોમાં કોઈનું નામ નથી લીધું, પણ સોશિયલ મીડિયા પર હુક્કા વાળી વાતને ધોની સાથે જોડવામાં આવી રહી છે. જણાવી દઇએ કે વર્ષ 2012માં ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયા માટે તેની છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં તેણે પાંચ વિકેટ લીધી હતી, પરંતુ ત્યાર બાદ ઈરફાનને ડ્રોપ કરાયો હતો અને તે પાછો નહોતો આવ્યો. જે સમયે તેણે ડ્રોપ કરવામાં આવ્યો તે સમયે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ધોની હતો. એવામાં તેની પર આરોપો લગાવાઈ રહ્યા છે કે ઈરફાનને બહારનો રસ્તો દેખાડવા પાછળ ધોનીનો હાથ પણ હતો.
યુવરાજ સિંહના પિતાએ પણ આપી પ્રતિક્રિયા
ઈરફાન પઠાણના આ વાઇરલ વીડિયો પર હવે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિહએ પણ પ્રતિક્રિયા આપી છે. જો કે આ પહેલીવાર નથી કે યોગરાજ સિંહે ધીનો પર શાબ્દિક પ્રહારો કર્યા હોય. અગાઉ પણ યોગરાજ સિંહે તેમના પુત્ર યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગને ટીમ ઈન્ડિયાની બહાર કરવા પાછળ ધોનીનો હાથ હોવાનો દાવો કર્યો હતો.
ઇરફાન પઠાણની વાત મુદ્દે યોગરાજ સિંહે કહ્યું કે, 'આ વિશે ફક્ત ઇરફાન પઠાણે જ નહીં, ગૌતમ ગંભીરે પણ વાત કરી છે. વીરેન્દ્ર સેહવાગે પણ ખૂલીને વાત કરી છે. હરભજન સિંહે કહ્યું કે તેને કેવી રીતે ટીમમાંથી માખીની જેમ બહાર ફેંકી દેવામાં આવ્યો. તમારે તપાસ કરવી જોઈએ કે તેણે આવું કેમ કર્યું. ધોની આનો જવાબ આપવા માંગતો નથી અને જે જવાબ આપવા માંગતો નથી, તેનો અંતરાત્મા દોષિત છે.'
યોગરાજ સિંહે ધોની વિશે તો એમ પણ કહ્યું કે તેણે ટીમ ઇન્ડિયાને બરબાદ કરી દીધી. ધોની ઉપરાંત, યોગરાજ સિંહે કપિલ દેવ અને બિશન સિંહ બેદી પર પણ ઘણી વખત નિશાન સાધ્યું છે અને તેમના પર ખેલાડીઓ સાથે સારો વ્યવહાર ન કરવાનો આરોપ લગાવ્યો છે.