વેસ્ટ ઇન્ડિઝ સામે જીત છતાં ટીમ ઇન્ડિયાને WTC પોઇન્ટ ટેબલમાં કોઈ ફાયદો નહીં, જાણો કઈ ટીમ ટોચે
WTC Points Table: વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. શુભમન ગિલની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 140 રનથી હરાવી સીરિઝમાં 1-0 આગળ વધી. જણાવી દઈએકે આ જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ ફાયદો નહીં થાય. WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતની જીતની ટકાવારી તો વધી, પણ WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-2નું સ્થાન મળ્યું નહીં. ટીમ ઇન્ડિયા હજી પણ પોઇન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને જ યથાવત્ છે. ત્યારે શ્રીલંકા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને છે. જણાવી દઈએકે હજી સુધી ઓસ્ટ્રેલિયાએ કોઈ મેચ હારી નથી અને તેમની કોઈ મેચ ડ્રો પણ થઈ નથી.
વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલા ભરતીય ટીમની જીતની ટકાવારી 46.67ની હતી, જે હવે વધી 55.56 સુધી પહોંચી છે. વેસ્ટ ઇન્ડિઝે અત્યાર સુધી 4 મેચ રમી છે અને દરેક ટેસ્ટમાં તેમની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
કેવી રહી IND vs WIની મેચ?
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિઝની ટીમને ભારતે બે સેશનમાં માત્ર 162 રનથી પછાડી દીધી હતી. મોહમ્મદ સિરાજે આ મેચમાં 4 વિકેટ લીધી તો જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 5 વિકેટના નુકસાને 448 રન બોર્ડ પર ફટકાર્યા અને 286 રનની લીડ મેળવી હતી. ભારત માટે કે એલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ સેન્ચુરી ફટકારી. ઇનિંગમાં જાડેજા નોટઆઉટ રહ્યો, ત્યારે કૅપ્ટન શુભમન ગિલે હાફ સેન્ચુરી ફટકારી. ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 146 રન પર ઓલઆઉટ થઈ હતી.