મહિલા પ્રીમિયર લીગ : મુંબઈ ઈન્ડિયન્સ સળંગ ચોથો વિજય, યુપી વોરિયર્ઝ 8 વિકેટથી હાર્યું
- ઈશાકે ત્રણ વિકેટ ઝડપી, હરમનપ્રીતના 33 બોલમાં અણનમ 53 રન
- 160ના ટાર્ગેટને મુંબઈ ઈન્ડિયન્સે 17.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડ્યો
મુંબઈ, તા.13
મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગમાં સળંગ ચોથો વિજય મેળવતા યુપી વોરિયર્ઝને આઠ વિકેટથી હરાવ્યું હતુ. સાઈકા ઈશાકે 33 રનમાં 3 વિકેટ ઝડપતાં યુપી વોરિયર્ઝ 6 વિકેટે 159 રન સુધી પહોંચી શક્યું હતુ. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 17.3 ઓવરમાં જ બે વિકેેટે 164 રન ફટકારતાં મેચ જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ.
ટોસ જીતીને બેટિંગ કરતાં યુપી વોરિયર્ઝે એલિસા હિલીએ 46 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા. જ્યારે તાહિલા મેક્ગ્રાએ 37 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 9 ચોગ્ગા સામેલ હતા. ઈશાકે ત્રણ અને એમિલીયા કૅરે 2 વિકેટ મેળવી હતી.
હેયલે મેથ્યૂસ 12 રને આઉટ થઈ હતી. જોકે યાસ્તીકા ભાટિયાએ 27 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા. આ પછી નાતાલી સીવેર-બ્રન્ટ અને હરમનપ્રીતની જોડીએ અણનમ 63 બોલમાં અણનમ 106 રન નોંધાવતા ટીમને જીતાડી હતી. હરમનપ્રીત 33 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 53 રન ફટકાર્યા હતા. જ્યારે નાતાલીએ 31 બોલમાં અણનમ 45 રન નોંધાવ્યા હતા.