Get The App

વિમેન્સ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ : ભારત જીતની હેટ્રિક સાથે સેમિ ફાઈનલમાં

- ભારતના ૧૪૫/૬ના જવાબમાં આયરલેન્ડના ૯૩/૮

- મિતાલી રાજની સતત બીજી મેચમાં અડધી સદી : રાધા યાદવની ૩ વિકેટ

Updated: Nov 16th, 2018

GS TEAM


Google News
Google News
વિમેન્સ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ : ભારત જીતની હેટ્રિક સાથે સેમિ ફાઈનલમાં 1 - image

ગયાના, તા. ૧૬

ઓપનર મિતાલી રાજે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારતાં ભારતે વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવતા સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતે મિતાલીના ૫૧ અને સ્મ્રિતિ મંધાના ૩૩ની મદદથી છ વિકેટે ૧૪૫ રન કર્યા હતા. જેની સામે આયર્લેન્ડની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો અને તેઓ ૨૦ ઓવરમાં આઠ વિકેટે માત્ર ૯૩ રન સુધી પહોંચી શક્યા હતા. 

મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતે અગાઉ ન્યુઝીલેન્ડને અને ત્યાર બાદ પાકિસ્તાનને હરાવ્યું હતુ. આ સાથે ગૂ્રપ-બીમાંથી ભારત અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઈનલમાં નિશ્ચિત બન્યા હતા. જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા હતા. 

પ્રથમ બેટીંગ કરતાં ભારતને મિતાલી રાજ અને સ્મ્રિતિ મંધાનાએ ૬૭ રનની ઓપનિંગ ભાગીદારી કરતાં ટીમને જંગી સ્કોર તરફ અગ્રેસર કરી હતી. જોકે ભારતની ત્યાર બાદની બેટીંગ લાઈનઅપ સ્કોરિંગ રેટ જાળવવામાં નિષ્ફળ રહી હતી. જેમીમા રોડ્રિગ્યુઝે ૧૮ અને દીપ્તિ શર્માએ ૧૧* રન કર્યા હતા. આયર્લેન્ડ તરફથી ગાર્થે બે વિકેટ ઝડપી હતી. 

જીતવા માટેના ૧૪૫ના સ્કોરનો પીછો કરવા ઉતરેલા આયર્લેન્ડે ઓપનર લુઈસની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જોકે શિલિંગ્ટન અને જોયસની જોડીએ સ્કોરને ૪૨ સુધી પહોંચાડયો હતો. જોયસે ૩૩ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૩૮ રન કર્યા હતા. 

ભારત તરફથી રાધા યાદવે ત્રણ અને દીપ્તિ શર્માએ બે વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ અને હરમનપ્રીત કૌરને એક-એક વિકેટ મળી હતી.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦

વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગૂ્રપ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ગૂ્રપ-બીમાં શરૃઆતની ત્રણ-ત્રણ મેચ જીતી ચૂક્યા છે અને સેમિ ફાઈનલમાં સ્થાન મેળવી ચૂક્યા છે. હવે ગૂ્રપમાં ટોચનું સ્થાન કોને મળશે તેનો નિર્ણય લેવા માટે આવતીકાલનો મુકાબલો ખેલાશે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે રાત્રે ૮.૩૦થી મેચ શરૃ થશે. 

ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામે સફળતા મેળવવા માટે ભારતીય ટીમ ઉત્સુક છે. નોકઆઉટ મુકાબલા અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની સફળતા ભારતનો જુસ્સો વધારશે તે નક્કી છે. વધુમાં ટીમ ઈન્ડિયા જો ફાઈનલમાં પ્રવેશ મેળવે તો તેને ઓસ્ટ્રેલિયા સામે રમવું પડી શકે છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે શાનદાર બેટીંગ કરી હતી. જોકે ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીત માટે ટીમનું બેટીંગ પર્ફોમન્સ ચિંતાજનક જોવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની મેચ જીતવા માટે ભારતે બેટીંગ અને બોલિંગ બંનેમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. 

વિમેન્સ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ : ભારત જીતની હેટ્રિક સાથે સેમિ ફાઈનલમાં 2 - imageમિતાલી રાજે ટી-૨૦માં ભારત તરફથી સૌથી વધુ રનનો રોહિતનો રેકોર્ડ તોડયો

ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર બેટ્સમેન મિતાલી રાજે વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન બાદ આયર્લેન્ડ સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે મિતાલી રાજે ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારવાનો રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આયર્લેન્ડ સામેની મિતાલીની ૫૧ રનની ઈનિંગની સાથે તેના ટી-૨૦ ઈન્ટરનેશનલના રન ૨,૨૮૩  થઈ ગયા છે. તેણે રોહિત શર્માને ઓવરટેક કરી લીધો હતો. રોહિતના ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૨,૨૦૭ રન છે. આ યાદીમાં કોહલી ૨,૧૦૨ રન સાથે ત્રીજા ક્રમે છે.

ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ભારત તરફથી હાઈએસ્ટ રન

મિતાલી રાજ ૨,૨૮૩ રન

રોહિત શર્મા ૨,૨૦૭ રન

વિરાટ કોહલી ૨,૧૦૨ રન

હરમનપ્રીત કૌર ૧,૮૨૭ રન

સુરેશ રૈના ૧,૬૦૫ રન

મહેન્દ્ર સિંહ ધોની ૧,૪૮૭ રન

ભારત આઠ વર્ષ બાદ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીતની હેટ્રિક સાથે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. ભારત આ સાથે આઠ વર્ષ બાદ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. છેલ્લે ૨૦૧૦માં ભારતીય મહિલા ટીમ ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી. યોગાનુંયોગ તે વર્ષે વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ વિન્ડિઝમાં જ યોજાયો હતો. ભારતને આ વખતે પહેલી વખત ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. અત્યાર સુધી ભારત ટી-૨૦ વર્લ્ડ કપમાં ક્યારેય સેમિ ફાઈનલથી આગળ વધી શક્યું નથી. ભારત ૨૦૧૦ અગાઉ ૨૦૦૯માં પણ સેમિ ફાઈનલમાં હાર્યું હતુ. આ પછી ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬ના વર્લ્ડ કપમાં ભારત શરૃઆતના રાઉન્ડમાં હારીને બહાર ફેંકાયું હતુ. 


Tags :