ટીમ ઇન્ડિયાના વિવાદોમાં રહેલા પૂર્વ કોચનો સિરાજ અંગે મોટો દાવો, કહ્યું - 'તે લીડર બનવા...'
Mohammed Siraj ready to become Actual Leader: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે મોહમ્મદ સિરાજ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે મોહમ્મદ સિરાજ ટીમ ઇન્ડિયામાં બોલિંગ વિભાગનું નેતૃત્વ કરવા એટલે કે લીડર બનવા તૈયાર છે, ભલે પછી બુમરાહ ટીમમાં હોય કે ના હોય. જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ત્રણ મેચ રમી હતી અને તેમાંથી એક પણ મેચમાં ટીમને જીત મળી ન હતી, જ્યારે મોહમ્મદ સિરાજ પાંચેય મેચમાં રમ્યો અને ખૂબ જ સારું રમ્યો.
મોહમ્મદ સિરાજે છેલ્લી મેચમાં 9 અને સીરિઝમાં કુલ 23 વિકેટ લીધી
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ રનથી જીત અપાવીને સીરિઝ 2-2થી ડ્રો કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે છેલ્લી મેચમાં 9 અને સીરિઝમાં કુલ 23 વિકેટ લીધી હતી. તેણે પાંચ ટેસ્ટમાં 185.3 ઓવર ફેંકી, જે અન્ય કોઈપણ બોલર કરતાં વધુ છે. ચેપલે આ અંગે કહ્યું હતું કે, 'સાચું કહું તો તેણે અગાઉ પણ ઘણા શાનદાર પ્રદર્શન કર્યા છે. MCG પર, ગાબા પર, પર્થ, લોર્ડ્સ, કેપ ટાઉન અને બર્મિંગહામમાં પરંતુ ઓવલ ખાતે જે કર્યું, તે અદ્ભુત હતું.'
સિરાજ બોલિંગમાં લીડર બનવા માટે તૈયાર છે
ચેપલે વધુમાં જણાવ્યું કે, 'જસપ્રીત બુમરાહ હોય કે ન હોય, સિરાજ બોલિંગમાં લીડર બનવા માટે તૈયાર છે. ભારતીય બેટર્સએ પાંચ ટેસ્ટ મેચોમાં 12 સદી ફટકારી હતી, પરંતુ સિરાજની બોલિંગ આ બધા પર ભારે પડી. એમ કહેવું ખોટું નથી કે આટલા શાનદાર બેટિંગ પ્રદર્શન છતાં, ભારતીય ટીમ સીરિઝમાં ટકી રહી તે પાછળનું મુખ્ય કારણ સિરાજ હતો.'
ચેપલે કહ્યું કે, 'તેના પ્રયાસો કરતાં પણ, મને એક બોલર તરીકે તેનામાં આવેલા પરિવર્તને વધુ પ્રભાવિત કર્યો છે. તેણે એક ઉત્સાહી બોલર તરીકે શરુઆત કરી હતી, પરંતુ હવે તે એક એવો ઝનૂની બોલર બની ગયો છે જેની પાસે એક હેતુ છે. એક ખેલાડી અને એક કૅપ્ટન વચ્ચેનો આ જ ફરક હોય છે.'