રોહિત અને વિરાટ વનડેથી નિવૃત્તિ લેશે? અટકળો વચ્ચે ગંભીરનું નિવેદન પણ વાઈરલ
Rohit Sharma And Virat Kohli: ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી પીચ પર ઉતર્યા નથી. બંને ટી20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે તેઓ માત્ર વનડે મુકાબલામાં જ જોવા મળશે. ચાહકો પણ વનડે ક્રિકેટ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રોહિત અને વિરાટ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા જનારી ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની શકે છે. જો કે, આ મેચ સીરિઝ તેમની અંતિમ મેચ બની શકે છે.
બંને ખેલાડીઓની ફેરવેલની ચર્ચાઓ વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરનું એક નિવેદન હાલ વાઈરલ થઈ રહ્યું છે. ગૌતમ ગંભીરે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલાં ટીમ ઈન્ડિયાના કોચ ગંભીરે એક ઈન્ટરવ્યૂમાં ખેલાડીઓના ફેરવેલ પર મોટું નિવેદન આપ્યું હતું.
શું કહ્યું હતું ગંભીરે?
ગંભીરે ખેલાડીઓને સારી ફેરવેલ મળવી જોઈએ કે કેમ તેના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, કોઈપણ ખેલાડી કોઈપણ રમત સાથે જોડાયેલો હોય, તે ક્યારેય ફેરવેલ માટે રમતો નથી. આપણે ખેલાડીઓનું યોગદાન યાદ રાખવુ જોઈએ. તેમણે દેશ માટે શું કર્યું છે. ફેરવેલ મળે કે ન મળે તેનો કોઈ અર્થ નથી. દેશ પાસેથી જે પ્રેમ મળ્યો છે, તે જ તેની સૌથી મોટી ફેરવેલ છે.
આ પણ વાંચોઃ CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર
ઈંગ્લેન્ડ સીરિઝ પહેલાં બંને ખેલાડીએ લીધો હતો સંન્યાસ
ઈંગ્લેન્ડ સીરિઝ માટે રવાના થતાં પહેલાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે ઓક્ટોબરમાં ત્રણ વનડે મેચ માટે ઓસ્ટ્રેલિયા રવાના થવાની છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળી શકે છે.
આઈસીસીએ જાહેર કર્યું શર્માનું પોસ્ટર
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ રોહિત શર્માનું એક પોસ્ટર રજૂ કરતાં તેના ચાહકોમાં ચર્ચા વધી છે. આ પોસ્ટરમાં આઈસીસીએ 2026માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વ્હાઈટ બોલ સીરિઝ દર્શાવી છે. જેમાં રોહિત શર્મા અને હેરી બ્રૂકની તસવીર મૂકતાં ચર્ચા વધી છે કે, રોહિત શર્મા આગામી વર્ષે પણ મેચ રમતો જોવા મળી શકે છે. આ પોસ્ટરથી ચર્ચા વધી છે કે, વ્હાઈટ બોલ સીરિઝમાં બ્રૂક ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે અને રોહિત શર્મા ભારતના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે.