Updated: Mar 19th, 2023
![]() |
Image : BCCI |
અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે રમાશે. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે છઠ્ઠી વનડે શ્રેણી જીતવાની તક રહેશે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે ત્યારે તેની જગ્યાએ કોણ બહાર થશે તે જોવાનું રહેશે. આ મેચમાં ઉમરાનને તક મળી શકે છે.
રોહિતની વાપસી થશે
આજે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટીમમાં વાપસી કરશે. પારિવારિક કારણોસર તે પ્રથમ વનડેમાં રમી શક્યો ન હતો. તેના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકે પ્રથમ વખત વનડેમાં ટીમનું નેતૃત્વ કર્યું અને આ ફોર્મેટમાં ટીમને જીત અપાવી. આ મેચમાં હાર્દિકે 25 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. રોહિતના આગમન સાથે ઈશાન કિશનને બહાર થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે સૂર્યકુમારને ફરી તક આપવામાં આવે છે કે નહીં. તે T-20માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ વનડેમાં તેનો રેકોર્ડ એટલો સારો રહ્યો નથી.
રાહુલ-જાડેજા પર નિર્ભર
વિકેટ કીપર બેટ્સમેન લોકેશ રાહુલે પ્રથમ વનડેમાં તેના શાનદાર પ્રદર્શનથી તેના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. રાહુલે પ્રથમ વનડેમાં બે કેચ લીધા અને ત્યારબાદ ભારતીય ટીમ જ્યારે 83 રનમાં પાંચ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેણે ધીરજ અને શાનદાર રમત બતાવી અણનમ 75 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત જાડેજાએ 46 રનમાં બે વિકેટ ઝડપી હતી અને બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 69 બોલમાં 45 રનની અણનમ ઇનિંગ રમી હતી અને રાહુલ સાથે ભાગીદારી કરીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ઉમરાન મલિક, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા
ટ્રેવિસ હેડ. મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (સી), માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (wk), ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.