ભારત રત્નથી વંચિત હોકીના જાદૂગર ખેલાડી મેજર ધ્યાનચંદ વિશે આપ શું જાણો છો ?
આજે 29 ઓગસ્ટ તેમના જન્મ દિવસને નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે
આ વિઝાર્ડ ઓફ હોકી ભારતીય હોકીના ગોલ્ડન ટાઇમના સાક્ષી રહયા હતા
અમદાવાદ, 29,ઓગસ્ટ,2020,શનિવાર
ભારતીય હોકીના ઉજજવળ ઇતિહાસ ના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આમ તો તેમણે જે સફળતા મેળવી તે ભારતના ગુલામીકાળમાં હતી પરંતુ ભારતીયોના કૌશલ્યને દુનિયા જાણતી ન હતી ત્યારે અંગ્રેજ સરકાર નહી પરંતુ ભારતીયોનું નામ રોશન કર્યું હતું. વિઝાર્ડ ઓફ હોકી તરીકે ફેમસ ધ્યાનચંદ વિશે જાણીએ ત્યારે અનેક સગવડો અને અભાવો વચ્ચે આટલી મોટી સફળતા કેવી રીતે મેળવી હશે તેનો વિચાર પહેલો આવે છે.
માણસમાં પ્રબળ ઇચ્છશકિત અને સાહસ હોયતો અભાવ ખાસ નડતા નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ હતા. સેન્ટર ફોરવર્ડમાં રમતો આ ખેલાડી વીજળીક સ્ફૂતિથી દે ધના ધન ગોલ કરવા માંડે ત્યારે હરિફ ટીમના ખેલાડીઓ લાચાર બની જતા હતા. હોકી આમ તો ટીમવર્કની રમત છે પરંતુ મેજર ધ્યાનચંદ એકલા હાથે જાણે કે હરિફ ટીમનો પરાજય લખી નાખતા હતા. આથી જ તો ધ્યાનચંદના યુગને ભારતીય હોકીનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. બોલ તેમની હોકી સ્ટીકના છેડે લોહચુંબકની જેમ ચોંટેલો રહેતો હતો. જયારે હરિફ ટીમનું પલ્લુ ભારે હોય ત્યારે બધાની નજર ધ્યાનચંદ પર જ રહેતી હતી. આ ખેલાડીમાં અચાનક જ વિજળી સંચાર થતો હોય એમ હારની બાજી જીતમાં પલટી નાખવાની ક્ષમતા ભરપુર હતી. આથી ધ્યાનચંદનો ભય વિરોધી ટીમને વધારે રહેતો હતો.
સ્ફૂતિથી દોડીને ગોલ કરવાનો તેમનામાં જે કસબ હતો એ દૈવી પ્રકારનો લાગતો હતો આથી જ તો હોકી રમતના સમિક્ષકો, વિવેચકો, અને ખેલાડીઓ આજે પણ કબૂલે છે કે ધ્યાનચંદ જેવો હોકી ખેલાડી વિશ્વમાં આજ સુધી પાક્યો નથી. ક્રિકેટમાં જે સ્થાન ડોન બ્રેડમેન, અને ફુટબોલમાં મારાડોનાનું છે તેવું સ્થાન હોકીમાં મેજર ધ્યાનચંદનું સદા રહેવાનું છે.
આજે 29 ઓગસ્ટ હોકીના મહાન જાદૂગર ખેલાડીનો જન્મ દિવસ છે. વર્ષ 1905માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં જન્મ થયો હતો. પિતા બ્રિટીશ લશ્કરમાં સુબેદાર તરીકે નોકરી કરતા હોવાથી શિસ્ત,અનુશાસનના ગુણો વારસમાં જ મળ્યા હતા. પિતા સોમેશ્વર દત્તને ધ્યાનચંદ ઉપરાંત મુલસિંહ અને રુપસિંહ એમ ત્રણ સંતાનો હતા. પિતા સોમેશ્વર લશ્કર તરફથી સ્થાનિક કક્ષાએ હોકીની રમતો રમતા અને નોકરીમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે સાથે હોકી રમવાનું ચુકતા નહી. પિતાને અંગ્રેજ લશ્કરમાં સુબેદારની નોકરી એટલે બદલીઓ ખૂબ થતી હોવાથી ધ્યાનચંદના ભણવાનું ઠેકાણું પડયું ન હતું,
ધ્યાનચંદ 6 ધોરણ સુધી વારંવાર થતા સ્થળાંતરના લીધે પધ્ધતિસરનું શિક્ષણ લઇ શક્યા નહી. છેવટે મધ્યપ્રદેશના ઝાંસી શહેરમાં તેમનું કુટુંબ ઘણા વર્ષો સ્થાયી રહ્યું અને પછી ભણવાનું શક્ય બન્યું હતું. ધ્યાનચંદ ભણવામાં હોશિયાર હતા પરંતુ તેમને બાળમિત્રોની સાથે તોફાન મસ્તી કરવી ખુબજ ગમતી. બાળપણમાં સહપાઠીઓ સાથ વૃક્ષ ની ડાળી કાપીને બનાવેલા લાકડામાંથી હોકી સ્ટીક બનાવીને તથા કપડાંનો દડો બનાવીને હોકી રમતા હતા. ના હોકી રમવા સારુ મેદાન મળે કે ના હોકી સ્ટીક ખરીદ કરવાના પૈસા. પિતાને હોકી રમતમાં રસ હતો એટલે હોકીના કૌશલ્યો તથા નિયમોની સમજ ઘરમાંથી જ મળતી હતી.
ધ્યાનચંદને પણ પિતાના પગલે હોકીમાં રસ જાગ્યો હતો. નોકરી કરવી એ પરીવારની આર્થિક જરુરીયાત હોવાથી ધ્યાનચંદ 1922માં પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે નોકરી શરુ કરી હતી. ધ્યાનચંદને બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર ભોલે તિવારીએ ધ્યાનચંદને હોકીના પાયાના નિયમો તથા કૌશલ્યો અંગે માર્ગદર્શન આપીને હોકી રમતમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. હોકીનું માર્ગદર્શન ભોલે તિવારી પાસેથી મળ્યું પરંતુ તેમના પ્રથમ કોચ પંકજ ગુપ્તા બન્યા હતા. પંકજ ગુપ્તાએ ધ્યાનચંદની હોકીની રમત માટેનો રસ, એકાગ્રતા અને આવડતના ગુણો પારખીને ભવિષ્યવાણી ઉચ્ચારી કે ધ્યાનચંદનું નામ હોકીના ઇતિહાસમાં ચંદ્રની જેમ ચમકતું રહેશે. એમ કહેવાય છે કે ધ્યાનચંદ નામ ત્યારથી જ પડ્યું હતું. એ પહેલા ધ્યાનચંદ ધ્યાનસિંહના નામથી ઓળખાતા હતા.
1926 માં આંતરરાષ્ટ્રીય હોકી ટીમ માટેના ખેલાડી તરીકે પસંદગી
1926 માં ન્યુઝીલેન્ડ ગયેલી ભારતીય હોકી ટીમના ખેલાડી તરીકે પહેલીવાર ધ્યાનચંદની પસંદગી થઇ હતી. ન્યુઝીલેન્ડ ના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 20 મેચો રમાઇ તેમાંથી 18 મેચ ભારતે જીતી હતી. માત્ર 1 મેચમાં હાર અને 1 ડ્રો થઇ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે એક પણ મેચ જીતી શકી ન હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતના ખેલાડીઓએ 192 ગોલ ફટકાર્યા જેમાંથી 100 ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. આથી અંગ્રેજોએ શિરપાંવ આપીને સિપાહીમાંથી લાન્સ નાયક તરીકે બઢતી આપી હતી. 1927માં ફોલ્કસ્ટોન ફેસ્ટીવલના ભાગ રુપે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 10 હોકી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભારતની હોકી ટીમે કુલ 72 ગોલ કર્યા જેમાંથી ધ્યાનચંદના 36 ગોલ હતા.
એમ્સર્ટડમ, લોસ એન્જેલસ અને બર્લિન એમ ત્રણ ઓલ્મિપકસ માં ગોલ્ડ મેડલ
1928માં એમ્સર્ટડમ ઓલ્મિપકસમાં ગોલ્ડ મેડલ માટે નેધરલેન્ડની સાથેની ફાઇનલ મેચમાં સેન્ટર ફોરવર્ડ ખેલાડી ધ્યાનચંદ હરિફ ટીમને ગોલ્ડ કરવામાં સફળ થવા દેતા ન હતા. નેધલેન્ડની હોકી ટીમ ઘર આંગણે મેચ હોવાથી જીત માટે મરણિયા બની હતી. છેવટે ભારતે નેધરલેન્ડને 3-0થી હરાવ્યું જેમાં અજેય સરસાઇ ધરાવતા બે ગોલ ધ્યાનચંદની હોકીમાંથી નિકળ્યા હતા. 1932માં લોસ એન્જેલસ ઓલ્મિપકસ માં અમેરિકાને 24-0 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં ધ્યાનચંદે 8 ગોલ ફટકાર્યા હતા. ઓલ્મિપકસ માં આ રેકોર્ડ 2003માં તૂટયો ત્યારે હોકી પ્રેમીઓ એ ભારતીય હોકીને સુવર્ણયુગમાં લઇ જનારા મેજર ધ્યાનચંદને યાદ કર્યા હતા.
હોકીના મહાન જાદુગરે 43 વર્ષની ઉંમરે સ્વેચ્છાથી નિવૃતિ જાહેર કરી. ભારત સરકારે લશ્કરમાં મેજરનો હોદ્દો આપ્યો તથા દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરીક સન્માનથી સન્માનિત કર્યા. 1956માં વય નિવૃતિના લીધે મેજર ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત થયા. નિવૃત થયા બાદ તેમણે પટીયાલા ખાતેના નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ સ્પોર્ટમાથી કોંચિગમાં ડિપ્લોમાં કર્યું હતું. જો કે મહાન જાદૂગર ખેલાડી કોચિંગમાં ખાસ સફળ રહયા ન હતા કારણ કેે તેુઓ નિયમમાં બંધાયા વગરનીનૈસ્રર્ગિક હોકી જ રમતા હતા.એટલું ચોકકસ છે કે ધ્યાનચંદની પ્રતિભાનો ભારતીય હોકી પર દાયકાઓ સુધી પ્રભાવ રહયો હતો. પોતાની હોકી આંતરરાષ્ટ્રીય હોકી કારર્કિદી દરમિયાન 1000થી પણ વઘુ ગોલ કર્યા હતા.
ધ્યાનચંદની ગોલ કરવાની ઝડપ જોઇને ઓસ્ટ્રેલિયાના મહાનક્રિકેટર ડોન બ્રેડમેને કહયુ હતું કે ધ્યાનચંદ ક્રિકેટર રન કરે એવી રીતે ગોલ કરે છે. મેજર ધ્યાનચંદ આજે પણ હોકી રમતના ખેલાડીઓ માટે આદર્શ અને પ્રેરણા સ્ત્રોત રહયા છે. ફુટબોલની રમતમાં જે સ્થાન મારાડોના અને પેલેનું છે તેવું પ્રદાન હોકીમાં મેજર ધ્યાનચંદે આપ્યું છે આથી ધ્યાનચંદને ભારત રત્ન આપીને સન્માન થવું જરુરી છે એવું તેમના ચાહકો આજે પણ માને છે. ધ્યાનચંદ જેવી મહાન વ્યકિતને ભારત રત્ન મળે તે એવોર્ડની શોભા સમાન છે.
ધ્યાનચંદનો સમગ્ર પરીવાર હોકી રમતને સમર્પિત રહયો હતો
હોકીના મહાન જાદુગરના પિતા સોમેશ્વર દત્ત લશ્કરમાં હોકી રમતા હતા. તેમનો ભાઇ રૂપસિંહ પણ 1932 અને 1936માં ઓલ્મિપકસ ભારતીય હોકી ટીમનો સભ્ય હતો. ધ્યાનચંદની નિવૃતિ બાદ તેમના પુત્ર અશોકકુમારે પણ ભારતીય હોકીના એક સફળ ખેલાડી તરીકે નામના મેળવી હતી. 1972માં મ્યુનિચ તથા 1976માં માટ્રીયલ ખાતે રમાયેલા વિશ્વ ઓલમ્પિકમાં હોકી ખેલાડી તરીકે ભાગ લીધો હતો. હોકીના વિવેચકોના મતે અશોકકુમાર પણ તેમના પિતાની જેમ આક્રમક શૈલીમાં રમવામાં માનતા હતા. 1975માં મલેશિયા ખાતે રમાયેલી વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત મલેશિયાને 1.0 થી પરાજય આપનારો એક માત્ર ગોલ અશોકકુમારસિંહે કર્યો હતો. ત્યાર પછી ભારતે હજુ સુધી ગોલ્ડમેડલ મેળવ્યો નથી.