'અમારી પણ ઈજ્જત છે...વર્લ્ડ કપ રમવા ભારત જઈશુ નહીં' : પાક. પૂર્વ ક્રિકેટર કામરાન અકમલ
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2023 શનિવાર
આ વર્ષે થનારા એશિયા કપની મેજબાની પાકિસ્તાનની પાસે છે. બીસીસીઆઈ સચિવ જય શાહના ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાના નિર્ણય બાદ મામલો ગરમાયો છે.
ભારતની મનાઈ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અકળાયુ છે. પીસીબીના પૂર્વ ચેરમેન રમીઝ રાજા અને વર્તમાન ચીફ નઝમ સેઠી ધમકી પણ આપી ચૂક્યા છે. પીસીબીનું કહેવુ છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો ભારતમાં આ વર્ષના અંતે થનારી વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ પણ સામેલ થશે નહીં. બીસીસીઆઈને ધમકી આપનારની લિસ્ટમાં હવે કામરાન અકમલનું નામ પણ જોડાઈ ગયુ છે.
પૂર્વ વિકેટકીપર બેટર કામરાન અકમલે કહ્યુ કે પાકિસ્તાનની પણ ઈજ્જત છે. જો તેઓ એશિયા કપમાંથી બહાર થાય છે તો આપણે પણ ભારત જવુ જોઈએ નહીં. પાકિસ્તાન ટીમની સિલેક્શન કમિટીના મેમ્બર કામરાન અકમલે નાદિર અલીના પોડકાસ્ટમાં કહ્યુ, જો ઈન્ડિયા એશિયા કપમાં આવવા માટે તૈયાર નથી તો આપણે 2023 વનડે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં જવુ જોઈએ નહીં. કામરાને કહ્યુ, આપણી પણ ઈજ્જત છે. અમે પણ વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છીએ. ચેમ્પિયન ટ્રોફી જીતી છે અને તમામ ફોર્મેટમાં ઉચ્ચ સ્તરે પણ રહ્યા છીએ.