'અમે ટીમ ઈન્ડિયાને હરાવવા સક્ષમ...' બે-બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટનની ડંફાસ
Asia Cup News : દુબઈમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું. આ રોમાંચક જીત બાદ કેપ્ટન સલમાન અલી આગાએ ડંફાસો મારવાનું શરૂ કરતાં કહ્યું કે અમારી ટીમ કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવે છે, એમાં ભારત પણ આવી ગયું.
હવે ફાઈનલ ક્યારે?
હવે એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરે ટક્કર થશે. કુલ મિલાવીને પાકિસ્તાન અને ભારત વચ્ચે આ વખતે એશિયા કપમાં ત્રીજો મુકાબલો હશે. એશિયા કપમાં પહેલીવાર ફાઈનલમાં ભારત-પાકિસ્તાન આમને સામને થવાના છે એ પણ એ રેકોર્ડ જ છે.
સલમાને શું કહ્યું?
બાંગ્લાદેશને હરાવ્યા બાદ સલમાન અલી આગાએ કહ્યું કે જો તમે આવી મેચ જીતો છો તો તેનો અર્થ છે કે તમે એક સ્પેશિયલ ટીમ છો, તમામે શાનદાન પ્રદર્શન કર્યું. અમારી બેટિંગમાં થોડાક સુધારાની જરૂર છે પણ અમે તેના પર કામ કરીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ ગમે તેને હરાવી શકે છે. અમે રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવા પ્રયાસ કરીશું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને એશિયા કપની સેમિફાઈનલ જેવી મેચમાં ગઈકાલે બાંગ્લાદેશને 135 રનનો ટારગેટ આપ્યો હતો. તેની સામે બાંગ્લાદેશની ટીમ 124 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.