એશિયા કપમાં ભારતીય ટીમમાં જગ્યા ન મળી, તો ઈંગ્લેન્ડ જઈને રમશે આ દિગ્ગજ ક્રિકેટર
Washington Sundar: એશિયા કપ 2025 વચ્ચે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. વોશિંગ્ટન સુંદરે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની ટેસ્ટ સિરીઝ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
વોશિંગ્ટન સુંદરનો મોટો નિર્ણય
વોશિંગ્ટન સુંદરે હેમ્પશાયર માટે 2 કાઉન્ટી મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી ટેસ્ટ સિરીઝ માટે તે તેની તૈયારી પૂર્ણ કરવા ઈચ્છે છે. સુંદરને ફરી એકવાર ભારતીય ટીમમાં રમવાની તક મળી શકે તેવી આશા છે. આર અશ્વિનના નિવૃત્તિ બાદ સુંદર પાસે ટીમ ઈન્ડિયામાં કાયમી રૂપે જગ્યા બનાવાની એક સારી તક છે. ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવ્યા બાદ આ સ્ટાર ખેલાડી હવે કાઉન્ટીમાં ધમાલ મચાવા તૈયાર છે. સુંદરે તેની કાઉન્ટી ટીમમાં પણ ફેરફાર કર્યો છે. હેમ્પશાયર પહેલા, તે 2022 માં લેન્કેશાયર માટે રમી ચૂક્યો છે. પરંતુ 2025 માં, તે હવે હેમ્પશાયર માટે રમશે.
ક્રિકેટના નિર્દેશકે ખુશી વ્યક્ત કરી
હેમ્પશાયરના ક્રિકેટ નિર્દેશકે ગિલ્સ વ્હાઇટે વોશિંગ્ટન સુંદરના ટીમમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, 'કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે વોશિંગ્ટનને ક્લબમાં જોડાવાનો ખૂબ આનંદ છે. આ ઉનાળામાં ઇંગ્લેન્ડ સામેની તેની સિરીઝ ઉત્તમ રહી અને તે સમરસેટ અને સરે સામે આગામી બે મોટી મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.'
ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું
સુંદરે ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે 4 મેચમાં 1 સેન્ચુરીની મદદથી 284 રન બનાવ્યા અને 7 વિકેટ પણ લીધી. તેણે અત્યાર સુધીમાં ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 44.2 ની સરેરાશથી 752 રન બનાવ્યા. તે ઉપરાંત, તેણે 50.6 ની સરેરાશ સાથે 32 વિકેટ પણ લીધી છે.