શું સંજુ સેમસન અને રિયાન પરાગને કારણે દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું કોચ પદ છોડ્યું, નવા દાવાથી ખળભળાટ
Rahul Dravid Resignation: ટી20 વર્લ્ડ કપ 2024 પછી ભારતીય ટીમના મુખ્ય કોચનો કાર્યકાળ સમાપ્ત થયા પછી, રાહુલ દ્રવિડે IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે, તેમનો આ કાર્યભાર ફક્ત એક જ સીઝન સુધી ચાલ્યો. રાજસ્થાન રોયલ્સે 30મી ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડે મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ચોંકાવનારા નિર્ણય પાછળ ઘણાં કારણો આપવામાં આવી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ દ્રવિડ ટીમના કેપ્ટન સંજુ સેમસન અને યુવા બેટર રિયાન પરાગ સાથે સંબંધિત કેટલાક નિર્ણયોથી ખુશ ન હતા, જેના કારણે તેણે આ પગલું ભર્યું.
સંજુ સેમસન અને રિયાન પરાગને લઈને વિવાદ
અહેવાલ અનુસાર, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ટ્રેડ ડીલ અથવા હરાજી દ્વારા ટીમ છોડી શકે છે. સેમસન આઈપીએલ 2025માં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ રિયાન પરાગને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરાગને કેપ્ટનશીપ આપવાના આ નિર્ણય સાથે દ્રવિડ સહમત ન હતા. સંજુ સેમસનના ટીમ છોડવાના સમાચારથી દ્રવિડ નારાજ થયા હતા અને આ તેમના રાજીનામાનું એક મોટું કારણ હતું. જો કે, સેમસન કોઈપણ રીતે ટીમ છોડવા જઈ રહ્યો છે, તેથી દ્રવિડના જવાથી તેમના પર ખાસ અસર થશે નહીં.
રાજસ્થાન રોયલ્સની ઓફર
રાજસ્થાન રોયલ્સે 'X' પર લખ્યું કે, 'રાહુલ દ્રવિડને માળખાકીય સમીક્ષા હેઠળ એક મોટી જવાબદારી અને મોટું પદ પણ ઓફર કરાયું હતું તેમ છતાં તેમણે આ ઓફર સ્વીકારી નહોતી. હવે તેઓ 2026ની આઈપીએલ સિઝન અગાઉ જ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ ગયા છે. રાહુલ અનેક વર્ષોથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા છે. તેમના નેતૃત્વમાં અનેક ખેલાડીઓ નિખર્યા છે.'