ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત બાદ પત્ની અનુષ્કા સંગ વિદેશ રવાના થયો કોહલી, જુઓ તસવીરો
Virat Kohli-Anushka Sharma: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે કોહલી નિવૃત્તિ લેવાનો છે અને હવે તેણે પોતે પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, ક્રિકેટર તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ વિરાટ અનુષ્કા સાથે વિદેશ જવા રવાના
એક તરફ, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તો બીજી તરફ તેની પત્ની અનુષ્કા સાથે વિદેશ જવા રવાના થઈ ગયો છે. અનુષ્કા-વિરાટનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં બંને ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. અનુષ્કાએ પિંક-વ્હાઇટ રંગનો લૂઝ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. વિરાટ પણ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે લોકોનું ધ્યાન ફક્ત વિરાટની નિવૃત્તિ પર જ છે.
વિરાટે કરી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત
વિરાટે પર નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, 'ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો અને મને એવા પાઠ શીખવ્યા જેને હું હંમેશા અનુસરીશ.'
કોહલીએ આગળ લખ્યું, 'વ્હાઇટ જર્સીમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત પરિશ્રમ, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેમાં મારું બધું જ આપ્યું છે અને તેણે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. દિલથી તમામનો આભાર માની વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારા ટેસ્ટ કરિયરને હાસ્ય સાથે યાદ કરીશ. 269 સાઇનિંગ ઑફ.'