'હજુ બે દિવસ પહેલા દાઢી રંગી છે', ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવા પર વિરાટ કોહલીનો રમૂજી જવાબ, યુવરાજ અંગે કરી મોટી વાત
Image sourse:: social media Virat Kohli on Team Induction and Retirement: વિરાટ કોહલીએ 12 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધી હતી. તેના રિટાયરમેન્ટ પછી ઘણા ક્રિકેટ પ્રેમીઓએ તેને રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવા માટેની વિનંતી કરી હતી, પરંતુ પોતાના નિર્ણયો પર અડગ રહેનારા વિરાટે ક્રિકેટપ્રેમીઓની રજુઆત સ્વીકારી નહીં. જોકે, ભારતીય ટીમમાં બેટિંગ પોઝિશન હોય કે ટીમના નેતૃત્વને શુભમન ગિલે પણ ખૂબ સરસ રીતે મેનેજ કર્યું છે. કોહલીએ પણ શુભમનની પ્રશંસા કરી છે. પરંતુ ક્રિકેટપ્રેમીઓને કોહલીના અચાનક રિટાયરમેન્ટનો પ્રશ્નનો જવાબ મળ્યો નથી. હાલમાં જ યુવરાજ સિંહ દ્વારા તેના ફાઉન્ડેશન માટે એક ચેરિટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં એકવાર ફરી રિટાયરમેન્ટની વાત ચાલી તો કોહલીએ તેનો રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો.
યુવરાજ સિંહ દ્વારા આયોજિત ચેરિટી ઇવેન્ટમાં ઘણી હસ્તીઓ અને દિગ્ગજ ક્રિકેટરો એકઠા થયા હતા. એક રિપોર્ટ અનુસાર, આ શાનદાર કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ગૌતમ ગંભીર સાથે કોચિંગ સ્ટાફ પણ હાજર હતા. સાથે સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, બ્રાયન લારા અને આશિષ નેહરા જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ ઇવેન્ટમાં હાજરી આપી ચારચાંદ લગાવ્યા હતા. જેમ બધા ડિનર માટે પોતાની જગ્યાએ બેઠા અને કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, એક મોટી સ્ક્રીન પર વિરાટ કોહલી, જો કેવિન પીટરસન સાથે વાતો કરતો અને જમતો દેખાયો હતો.
બે દિવસ પહેલા જ દાઢી કાળી કરાવી છે: વિરાટ કોહલી
ત્યારે ટીવી પ્રેઝેન્ટર ગૌરવ કપૂરે એક શાનદાર ટોકિંગ સેશન હોસ્ટ કર્યું, જેમાં રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, કેવિન પીટરસન, ક્રિસ ગેલ અને ડેરેન ગૉફ સામેલ થયા હતા. પહેલા સેશનમાં કોહલી મંચ પર નહોતા, પરંતુ ગૌરવ કપૂરના આમંત્રણ પર તે પણ બીજા દિગ્ગજો સાથે મંચ પર આવી ગયો. ક્રિસ ગેલ સાથે એક ટ્રેડમાર્ક મુલાકાત બાદ જ્યારે ગૌરવે કહ્યું કે, 'લોકો તમને મેદાન પર યાદ કરે છે', તો વિરાટે હસ્તા હસ્તા રમૂજી જવાબ આપતા કહ્યું કે, 'મેં હજી બે દિવસ પહેલાં જ દાઢી કાળી કરાવી છે… હવે દર ચાર દિવસે દાઢી રંગવી પડે, તો સમજી જાઓ કે આ કેવો સમય આવી ગયો છે.'
જ્યારે ટીમમાં આવ્યો હતો, ત્યારે બે-ત્રણ લોકોનો સપોર્ટ મળ્યો હતો: વિરાટ કોહલી
કોહલીએ યુવરાજ સિંહ સાથેના પોતાના સંબંધો વિશે પણ ભાવુક અંદાજમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ(કોહલી) ટીમ ઇન્ડિયામાં નવા હતા, ત્યારે યુવરાજ, હરભજન સિંહ અને ઝહીર ખાને તેને મદદ કરી હતી. કોહલીએ કહ્યું, 'અમે મેદાનની અંદર અને બહાર પણ ખુબ સારી બોંડિંગ બનાવી હતી. પહેલીવાર તેમની મુલાકાત બેંગલુરુમાં નોર્થ ઝોન ટૂર્નામેન્ટ દરમિયાન થઈ હતી. તેમણે મને ટીમમાં સરળ અનુભવ કરાવ્યો અને શીખવ્યું કે ટોપ લેવલનું જીવન કેવું હોય છે. 2011માં વર્લ્ડકપમાં યુવરાજની રમત જોવી ખૂબ ખાસ હતી. ત્યારબાદ જ્યારે મને તેની બીમારી વિશે ખબર પડી તો ત્યારે મોટો આઘાત લાગ્યો હતો. પરંતુ જે રીતે તે કેન્સરને હરાવીને પાછો આવ્યો અને જ્યારે હું કેપ્ટન હતો ત્યારે તે ફરી ટીમમાં આવ્યો તે પ્રેરણાદાયી હતું.'