ICC ODI Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીને પાછળ છોડીને ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટર ડેરિલ મિચેલ વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર-1 બેટર બની ગયો છે. ગત અઠવાડિયે જ ટોચના સ્થાને પહોંચેલા કોહલીને માત્ર ગણતરીના દિવસોમાં જ પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું છે.

કોહલીનું સ્થાન કેમ નીચે ગયું?
વિરાટ કોહલી જુલાઈ 2021 પછી પહેલીવાર ગત અઠવાડિયે રોહિત શર્માને પાછળ છોડીને નંબર-1ના સ્થાને પહોંચ્યો હતો. જોકે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સીરિઝમાં ડેરિલ મિચેલના શાનદાર પ્રદર્શને સમીકરણો બદલી નાખ્યા છે. ડિરિલ મિચેલનું 845 રેન્કિંગ પોઈન્ટ છે, જ્યારે વિરાટ કોહલી 795 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેમની પાછળ ઈબ્રાહિમ ઝદરાન, રોહિત શર્મા, શુભમન ગિલ અને બાબર આઝમ જેવા મોટા બેટર છે.

ડેરિલ મિચેલનું શાનદાર ફોર્મ
ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ ભારત સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં રનનો પહાડ ખડક્યો હતો. તેણે ત્રણ મેચની ODI સીરિઝમાં કુલ 352 રન બનાવ્યા. બીજી મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, તેણે 117 બોલમાં અણનમ 131 રન બનાવ્યા. આ ઇનિંગથી ન્યુઝીલેન્ડે સીરિઝ બરાબર કરી અને બાદમાં તેને 2-1થી જીતી લીધી.
કોહલીનું પ્રદર્શન પણ રહ્યું દમદાર
ભલે કોહલીએ નંબર-1નું સ્થાન ગુમાવ્યું હોય, પરંતુ તેનું વ્યક્તિગત પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આ સીરિઝમાં 3 મેચમાં 80.00 ની સરેરાશથી 240 રન બનાવ્યા, જેમાં એક સદી (124 રન) નો પણ સમાવેશ થાય છે. રનની દ્રષ્ટિએ તે મિચેલ પછી બીજા ક્રમે છે.


