Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી: આવતીકાલે 300મી વનડે મેચ રમશે વિરાટ કોહલી, તૂટી શકે છે 6 મહારૅકોર્ડ

Updated: Mar 1st, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રોફી: આવતીકાલે 300મી વનડે મેચ રમશે વિરાટ કોહલી, તૂટી શકે છે 6 મહારૅકોર્ડ 1 - image


Image Source: Twitter

Virat Kohli Can Break These 6 Big Records: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે રવિવારે મહામુકાબલો થશે. બંને દેશો વચ્ચેનો આ મહામુકાબલો ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલૅન્ડ સામેની આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ભારતને યાદગાર જીત અપાવી હતી. વિરાટ કોહલીએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 51 સદી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 82 સદી પૂરી કરી છે. વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 27,503 રન પૂરા કર્યા છે. ન્યૂઝીલૅન્ડને સૌથી મોટો ખતરો વિરાટ કોહલીથી હશે. ન્યૂઝીલૅન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે તે તેના વનડે કરિયરની 300મી મેચ હશે. આ મેચમાં વિરાટ કોહલી 6 મહારૅકોર્ડ તોડી શકે છે.

1.વનડેમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

વિરાટ કોહલી અત્યાર સુધીમાં 299 વનડે મેચમાં 14085 રન બનાવી ચૂક્યો છે. જો વિરાટ કોહલી રવિવારે ન્યૂઝીલૅન્ડ સામેની મેચમાં 150 રન બનાવવામાં સફળ રહે  તો તે શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાના મહારૅકોર્ડને તોડી નાખશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી વનડે ઇન્ટરનેશનલમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. કુમાર સંગાકારાએ પોતાના 15 વર્ષના લાંબા વનડે કરિયર દરમિયાન શ્રીલંકા અને ICC માટે 404 મેચ રમી અને 14,234 રન બનાવ્યા હતા.

2. વનડેમાં બીજો સૌથી સફળ ફિલ્ડર

વિરાટ કોહલી વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોહમ્મદ અઝહરુદ્દીનનો 156 કેચનો રૅકોર્ડ તો તોડી ચૂક્યો છે. જો 36 વર્ષીય વિરાટ કોહલી ન્યૂઝીલૅન્ડ સામેની મેચમાં ૩ કેચ લેવામાં સફળ થાય તો તે રિકી પોન્ટિંગનો વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિકેટમાં 160 કેચનો રૅકોર્ડ તોડી નાખશે. આમ વિરાટ કોહલી વનડે ઇન્ટરનેશનલમાં બીજા ક્રમનો સૌથી સફળ ફિલ્ડર બની જશે. શ્રીલંકાના મહાન બેટ્સમેન મહેલા જયવર્ધનેએ વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 218 કેચ પકડી છે. 

3. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી 15 મેચ રમી છે, જેમાં તેણે 651 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલૅન્ડ સામે તે વધુ 51 રન બનાવવામાં સફળ રહે તો તે શિખર ધવનનો મહારૅકોર્ડ તોડી નાખશે. વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. શિખર ધવને ટીમ ઇન્ડિયા માટે 10 ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી છે અને 701 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: શબ્દો ઓછા પડી જશે...: IND vs NZ મેચ પહેલા K L રાહુલે કર્યા વિરાટ કોહલીના વખાણ

4. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન

જો વિરાટ કોહલી ન્યૂઝીલૅન્ડ સામે ઓછામાં ઓછા 142 રન બનાવી લે તો તે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલનો મહારૅકોર્ડ તોડી નાખશે અને ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. ક્રિસ ગેલે ચેમ્પિયન્સ ટ્રોફીની ચાર સિઝનમાં વેસ્ટ ઇન્ડીઝ માટે કુલ 17 મેચ રમી છે અને 791 રન બનાવ્યા છે.

5. ન્યૂઝીલૅન્ડ સામે વનડેમાં ભારત માટે સૌથી વધુ રન

ઑગસ્ટ 2008માં ભારત માટે વનડે ડેબ્યૂ કર્યા બાદથી વિરાટ કોહલી ન્યૂઝીલૅન્ડ સામે 31 વનડે મેચ રમ્યો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલૅન્ડ સામે 1645 રન બનાવ્યા છે. જો વિરાટ કોહલી રવિવારે વધુ 106 રન બનાવી લે તો તે સચિન તેંડુલકરનો 1750 રનનો રૅકોર્ડ તોડી નાખશે. વિરાટ કોહલી ન્યૂઝીલૅન્ડ સામે વનડે ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. ન્યૂઝીલૅન્ડ સામે સૌથી વધુ વનડે રન બનાવવાનો રૅકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. રિકી પોન્ટિંગે ન્યૂઝીલૅન્ડ સામે 51 વનડેમાં 1971 રન બનાવ્યા હતા.

6. ન્યૂઝીલૅન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ન્યૂઝીલૅન્ડ સામે રમાયેલી 31 વનડે મેચમાં છ સદી ફટકારી છે. જો રવિવારે ન્યૂઝીલૅન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી સદી ફટકારે તો તે વનડે ફોર્મેટમાં કિવી સામે સૌથી વધુ 7 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. વિરાટ કોહલી હજુ સુધી ન્યૂઝીલૅન્ડ સામે સૌથી વધુ વનડે સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી હાલમાં વિરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગ સાથે બરાબરી પર છે. વિરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગે ન્યૂઝીલૅન્ડ સામે છ-છ સદી સાથે પોતાનું કરિયર સમાપ્ત કર્યું હતું. 

Tags :