કુસ્તીબાજ વિનેશ ફોગાટનો યૂ ટર્ન, અચાનક નિવૃત્તિનો નિર્ણય પરત લીધો, LA 2028 પર ફોકસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vinesh Phogat News: ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિક મેડલ જીતવા માટે નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. તે 2024 પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 50 કિલોગ્રામ કેટેગરીમાં 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે નિરાશ થઈને ઉતાવળે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, હવે તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
લોસ એન્જલસ તરફ આગળ વધી રહી છું: વિનેશ ફોગાટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા વિનેશ ફોગાટે લખ્યું કે, 'લોકો મને પૂછતા રહે છે કે શું પેરિસ મારી છેલ્લી યાત્રા હતી? લાંબા સમય સુધી મારી પાસે કોઈ જવાબ નહોતો. મારે મેટથી, દબાણથી, અપેક્ષાઓથી અને મારી મહત્વાકાંક્ષાઓથી પણ દૂર જવાની જરૂર હતી. વર્ષોમાં પહેલીવાર મેં મારી જાતને રાહતનો શ્વાસ લેવાની મંજૂરી આપી. દિલ તૂટવું, બલિદાન મારા એવા રૂપ છે જે દુનિયાએ ક્યારેય જોયા નથી.'
વિનેશ ફોગાટે લખ્યું, 'શિસ્ત, દિનચર્યા, સંઘર્ષ આ બધું મારામાં વસેલું છે. હું ગમે તેટલી દૂર ગઈ, મારો એક ભાગ મેટ પર જ રહ્યો. કુસ્તી પ્રત્યેનો મારો જુસ્સો ક્યારેય ઓછો થયો નહીં. હું અહીં છું, નિર્ભય હૃદય અને અડગ ભાવના સાથે LA28 પરત ફરી રહી છું. આ વખતે, હું એકલી નથી ચાલી રહી. મારો પુત્ર મારી ટીમમાં જોડાઈ રહ્યો છે. લોસ એન્જલસ ઓલિમ્પિકની આ સફરમાં મારો નાનો ચીયરલીડર.
પેરિસ ઓલિમ્પિક 2024 પછી ફોગાટની અપીલ ફગાવી દેવાઈ હતી
જ્યારે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે તેણે આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ એક સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ સુનાવણી ઘણી વખત વિલંબિત થઈ હતી, જેના કારણે તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. વિનેશે ત્રણ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પરંતુ ક્યારેય મેડલ જીત્યો ન હતો.
કોંગ્રેસની ધારાસભ્ય પણ છે વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટનો જન્મ હરિયાણાના ચરખી દાદરીમાં થયો હતો. ત્યારબાદ બાળપણથી કુસ્તીના ક્ષેત્રમાં પ્રવેશી હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ, એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. તે 2024 માં કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાના જુલાના વિધાનસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવી હતી.









