Vaibhav Suryavanshi News : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે.
મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ
વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, "મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું". આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત 4 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને મેચનો આખો રૂખ બદલી નાખ્યો હતો. તેની આ ઈનિંગને કારણે RCBના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.
પિતા અને સપોર્ટ સ્ટાફનું યોગ્ય માર્ગદર્શન
નાની ઉંમરે મોટી સફળતા મળવા છતાં વૈભવ જમીન સાથે જોડાયેલો છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય પિતા સંજીવ અને ટીમના સપોર્ટ સ્ટાફ રોમી ભીંડરને આપ્યો હતો. આ બંને તેને સતત યાદ અપાવતા રહે છે કે ક્રિકેટ એક લાંબી યાત્રા છે અને માત્ર રમત પર જ ફોકસ જાળવી રાખવું જોઈએ.
78 રને આઉટ થયાનો અફસોસ
માત્ર 26 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હોવા છતાં વૈભવ સંપૂર્ણ સંતુષ્ટ નહોતો. તેણે સ્વીકાર્યું હતું કે 78 રને આઉટ થવું તેને ખટક્યું છે. તેનું માનવું છે કે જો તે અંત સુધી ટકી રહ્યો હોત, તો ટીમ માટે વધુ 20 રન જોડી શક્યો હોત, જે મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શક્યા હોત.


