વૈભવ સૂર્યવંશીના હાલ ક્યાંક પૃથ્વી શૉ અને કાંબલી જેવા ન થઈ જાય, પૂર્વ ક્રિકેટરની BCCIને સલાહ
Vaibhav Suryavanshi : IPLમાં સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. દિગ્ગજ ખેલાડીઓ આ 14 વર્ષના બેટ્સમેનના વખાણ કરતા થાકતા નથી. ખૂબ જ નાની ઉંમરે વૈભવ વિશ્વ ક્રિકેટમાં છવાઈ જવા માટે તૈયાર છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે ભારતીય ક્રિકેટ બોર્ડને આ ખેલાડીનું યોગ્ય ધ્યાન રાખવા માટે ચેતવણી આપી છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ચેપલે BCCIને વૈભવ સૂર્યવંશીને મહાન સચિન તેંડુલકરની જેમ સંભાળીને રાખવાની સલાહ આપી છે. ચેપલને ડર છે કે આ યુવાન પોતાના માર્ગથી ભટકી ન જાય અને તેના પણ હાલ વિનોદ કાંબલી અને પૃથ્વી શૉ જેવા ન થઈ જાય. વૈભવ સૂર્યવંશીએ IPLની પોતાની ત્રીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો. તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટર બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીના હાલ ક્યાંક પૃથ્વી શૉ અને કાંબલી જેવા ન થઈ જાય
ગ્રેગ ચેપલને એ વાતની ચિંતા છે કે જો વૈભવ જેવી અસાધારણ પ્રતિભાનું યોગ્ય રીતે સંભાળ રાખવામાં નહીં આવે, તો તેની કારકિર્દી પણ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિનોદ કાંબલી અને પૃથ્વી શૉની જેમ બરબાદ થઈ જશે. શરૂઆતમાં વિનોદ કાંબલીને સચિન કરતાં વધુ પ્રતિભાશાળી ક્રિકેટર માનવામાં આવતો હતો, પરંતુ તે બાહ્ય ગ્લેમરમાં ખોવાઈ ગયો અને તેની સફળ કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ. 2018ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા પૃથ્વી શૉ સાથે પણ કંઈક આવું જ બન્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કર્યા બાદ પૃથ્વી પણ પોતાની રાહ પરથી ભટકી ગયો અને ટૂંક સમયમાં ટીમની બહાર થઈ ગયો.
ગ્રેગ ચેપલને સતાવી રહી આ ચિંતા
ગ્રેગ ચેપલે પોતાની કોલમમાં લખ્યું કે, 'સચિન તેંડુલકરે કિશોરાવસ્થામાં માત્ર પ્રતિભાને કારણે જ નહીં, પરંતુ એક મજબૂત સપોર્ટ સિસ્ટમને કારણે પણ સફળતા મેળવી હતી. શાંત સ્વભાવ, ચાલાક કોચ, એક પરિવાર જેણે તેને બહારની દુનિયાનો સર્કસ બનતા બચાવ્યો. બીજી બાજુ વિનોદ કાંબલી જે એટલો જ પ્રતિભાશાળી અને કદાચ વધુ શાનદાર હતો, પ્રસિદ્ધિ અને શિસ્ત વચ્ચે સંતુલન બનાવવા માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો. તેનું પતન તેના ઉદય જેટલું જ નાટકીય હતું. પૃથ્વી શૉ બીજો એક વંડરકિડ ખેલાડી છે જેનું પણ ખૂબ જલ્દી પતન થઈ ગયુ. પરંતુ તે હજુ પણ ટોપ પર પાછા ફરવાનો રસ્તો શોધી શકે છે.
રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
IPL મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અને IPL 2025ની સીઝનમાં કેપ્ટન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયા બાદ તેને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે તેને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો હતો. સદી ફટકાર્યા પછી આગામી ઈનિંગ્સમાં શૂન્ય રન પર આઉટ થનાર ઓવરઓલ છઠ્ઠો ખેલાડી છે.
પ્રતિભાને છૂપાવીને ન રાખી શકાય
ગ્રેગ ચેપલે લખ્યું કે, 'ક્રિકેટિંગ ઈકોસિસ્ટમ, BCCI, ફ્રેન્ચાઈઝી, મેંટર અને મીડિયાની ફરજ બને છે કે તેઓ વૈભવ સૂર્યવંશીને સંભાળે. પ્રતિભાને છૂપાવીને ન રાખી શકાય પરંતુ તેને ચોક્કસ એક બફર પૂરું પાડી શકાય છે. તેનું સારી રીતે માર્ગદર્શન થવું જોઈએ નહીં કે મહિમા કરવો. વૈભવની પ્રતિભા જોઈને લોકો હવે તેને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં જોવા માગે છે. વૈભવ પહેલી વાર IPLમાં રમી રહ્યો છે.