Vaibhav Suryavanshi ICC Safeguarding Rules: ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશી પોતાના પહેલા સીનિયર ઈન્ટરનેશનલ ટૂર પહેલા જ ચર્ચામાં છે. જો કે આ વખતે કારણ તેની બેટિંગ નથી, પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લાગુ થનારો એક ખાસ નિયમ છે. 15 વર્ષના વૈભવને ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પોતાના સાથીઓથી અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરવો પડશે.
ICCના બાળ સુરક્ષા પ્રોટોકોલ લાગુ
આ વ્યવસ્થા ICCના સેફગાર્ડિંગ (બાળ સુરક્ષા) નિયમો હેઠળ કરવામાં આવી રહી છે. ICC અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના નિયમો અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડી પુખ્ત વયના ખેલાડીઓ સાથે એક જ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરી શકતા નથી. ECBએ આ વ્યવસ્થાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈંગ્લેન્ડમાં યોજાનારી આ સિરીઝ ICCના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેથી તેના સેફગાર્ડિંગ પ્રોટોકોલ લાગુ થશે. ECBએ જણાવ્યું કે ICCના નિયમોની સાથે-સાથે બોર્ડની 'સેફ હેન્ડ્સ' પોલિસી પણ સમગ્ર ટૂર દરમિયાન પ્રભાવી રહેશે.
વૈભવના માતા-પિતા પણ સાથે રહેશે
વૈભવની ઉંમરને જોતા વધારાની સુરક્ષા અને દેખભાળની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમના માતા-પિતા સમગ્ર પ્રવાસ દરમિયાન તેમની સાથે રહેશે અને એ જ હોટલમાં રોકાશે, જ્યાં ભારતીય ટીમ રોકાશે. સામાન્ય પરિસ્થિતિઓમાં આવું થતું નથી, પરંતુ વૈભવની ઉંમરને જોતા વિશેષ પરવાનગી આપવામાં આવી છે. ECBનું માનવું છે કે પરિવારની હાજરી યુવા ખેલાડીને જરૂરી સહયોગ અને દેખભાળ પૂરી પાડશે.
ક્રિકેટ પ્રવૃત્તિઓ પર કોઈ અસર નહીં
એક ખાનગી રિપોર્ટ મુજબ, આ નિયમોની વૈભવની ક્રિકેટ પ્રવૃત્તિઓ પર કોઈ અસર નહીં પડે. તે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે, ટીમ મીટિંગમાં ભાગ લેશે, પ્રેક્ટિસ કરશે અને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે સામેલ રહેશે. પ્રતિબંધ માત્ર મેચ પહેલા અને પછી કપડાં બદલવા દરમિયાન જ લાગુ થશે.
IPL અને ડોમેસ્ટિકમાં અલગ નિયમો
ઈંગ્લેન્ડ સીરિઝ ICCના અધિકાર ક્ષેત્રમાં આયોજિત થઈ રહી છે, તેથી ત્યાં આ નિયમો લાગુ થશે. બીજી તરફ આયર્લેન્ડ સામે રમાનારી બે ટી20 મેચોમાં આ વ્યવસ્થા લાગુ નહીં થાય, કારણ કે તે મેચો ક્રિકેટ આયર્લેન્ડના નિયંત્રણ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે ભારતીય સ્થાનિક ક્રિકેટ અને IPLમાં આવા નિયમો નથી. રાજસ્થાન રોયલ્સ માટે રમતા વૈભવે અગાઉની બે સિઝનમાં સીનિયર ખેલાડીઓ સાથે સામાન્ય ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરી ચૂક્યો છે.
IPLમાં વૈભવનો શાનદાર રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સફર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કરનારા આ બેટ્સમેને પોતાની પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને પુરૂષ ટી20 ક્રિકેટમાં કોઈ કિશોર ખેલાડી તરીકે સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી, જે માત્ર 38 બોલમાં આવી હતી. ત્યારબાદ તેને પોતાના પ્રદર્શનને વધુ ઊંચાઈ પર પહોંચાડ્યું અને IPL 2026ની સિઝનમાં 776 રન બનાવીને સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો. તેને એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલામાં ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો અને 72 સિક્સર ફટકારી. તાજેતરમાં જ ભારત A તરફથી શ્રીલંકા A સામેની ટ્રાયન્ગ્યુલર સીરિઝની ફાઇનલમાં વૈભવે માત્ર 29 બોલમાં 94 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગ દરમિયાન તેને માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરીને લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં
હવે સૌની નજર શુક્રવારે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે રમાનારી પ્રથમ ટી20 મેચ પર છે. જો વૈભવને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળશે તો તે ભારતના સૌથી યુવા ઇન્ટરનેશનલ ક્રિકેટર બની જશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ 205 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.


