Vaibhav Sooryavanshi Awards: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની આખી સિઝન ભલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ટ્રોફી જીતીને પોતાના નામે કરી હોય, પરંતુ વ્યક્તિગત પ્રદર્શનના મામલે આખી લીગમાં માત્ર એક જ નામ ગુંજતું રહ્યું – વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી નહોતી, છતાં 15 વર્ષના આ યુવા ઓપનરે અદભુત પ્રદર્શન કરીને ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. ફાઇનલ મેચ બાદ યોજાયેલી ભવ્ય એવોર્ડ્સ સેરેમનીમાં વૈભવ પર ઇનામોનો ભારે વરસાદ થયો હતો અને તેણે અસંખ્ય ઐતિહાસિક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
માત્ર 15 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતીને રચ્યો ઇતિહાસ
બિહારના આ યુવા સનસનાટીભર્યા ખેલાડીએ માત્ર 15 વર્ષ અને 65 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપ્યો છે. તેણે ગયા વર્ષના વિજેતા સાઈ સુદર્શન (23 વર્ષ) અને શુભમન ગિલ (23 વર્ષ)ના રેકોર્ડને ખૂબ મોટી મર્જિનથી પાછળ છોડી દીધા છે. આખી સિઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ (732 રન) અને સાઈ સુદર્શન (722 રન) તેની પાછળ પડ્યા રહ્યા, પરંતુ વૈભવને નંબર વન સ્થાનેથી હટાવી શક્યા નહીં.
IPL 2026માં વૈભવ સૂર્યવંશીના આંકડા:
• ઇનિંગ્સ: 16
• કુલ રન: 776
• સરેરાશ: 48.50
• સ્ટ્રાઈક રેટ: 237.31 (ઓરેન્જ કેપ વિજેતાઓમાં ઇતિહાસનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ)
• સદી/અડધી સદી: 1 સદી અને 5 અડધી સદી (સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી)
• કુલ છગ્ગા: 72 (નવો આઈપીએલ રેકોર્ડ)
એવોર્ડ્સ સેરેમનીમાં એકસાથે 5 મોટા પુરસ્કારો પર કબજો
વૈભવ સૂર્યવંશીએ રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ બાદ ટૂર્નામેન્ટના પાંચ સૌથી મોટા એવોર્ડ્સ એકલા હાથે જીતી લીધા હતા:
1. ઓરેન્જ કેપ: સિઝનમાં સૌથી વધુ 776 રન બનાવવા બદલ.
2. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર: આખી લીગમાં સૌથી વધુ 436.5 પોઇન્ટ્સ મેળવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો. આઈપીએલ ઇતિહાસમાં એક જ સિઝનમાં MVP અને ઇમર્જિંગ પ્લેયર બંને એવોર્ડ જીતનારો તે પ્રથમ ખેલાડી બન્યો છે.
3. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન: યુવા પ્રતિભાઓની રેસમાં બાકીના તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા.
4. સુપર સ્ટ્રાઈકર્સ ઓફ ધ સિઝન: ઓછામાં ઓછા 100 બોલ રમવાની શરત સાથે 237.31ના આકાશી સ્ટ્રાઈક રેટ માટે આ એવોર્ડ અપાયો.
5. સુપર સિક્સિસ ઓફ ધ સિઝન: આખી સિઝનમાં વૈભવે કુલ 72 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલનો એક સિઝનમાં 59 છગ્ગાનો વર્ષો જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો છે. તેણે દર 4.31 બોલે એક સિક્સર ફટકારી હતી!
"હું થોડો દબાણમાં છું..." - એવોર્ડ જીત્યા બાદ વૈભવનું નિવેદન
જ્યારે સ્ટેજ પર ટ્રોફીનો ઢગલો કરીને વૈભવને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે માસૂમિયતથી હસતા હસતા કહ્યું, "મને ખૂબ સારું લાગી રહ્યું છે, પરંતુ અત્યારે ઇન્ટરવ્યૂ આપતી વખતે હું અંડર પ્રેશર છું." આ સાથે જ તેણે વિરોધી ટીમોને ચેતવણી આપતા જણાવ્યું કે તે આગામી સિઝનમાં પોતાની ફિટનેસ અને રમત પર વધુ કામ કરીને આનાથી પણ વધુ મજબૂત બનીને પરત ફરશે.
હવે ઇન્ડિયા 'A' માટે રમશે
આઈપીએલ 2026માં ધમાકેદાર પ્રદર્શનનું ફળ વૈભવને તુરંત મળ્યું છે. આઈપીએલ પૂરી થતાં જ હવે તે ઇન્ડિયા 'A'ની ટીમ સાથે જોડાઈ જશે. ભારત 'A'ની ટીમ આગામી 6 જૂનથી 19 જૂન દરમિયાન શ્રીલંકામાં રમાનારી ટ્રાઈ-સિરીઝ માટે રવાના થવાની છે, જ્યાં આ 15 વર્ષનો વન્ડર બોય આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાલ મચાવવા તૈયાર છે. 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે નિર્ભયતાથી વિશ્વના ટોચના બોલરોની ધોલાઈ કરી છે, તે જોતાં ક્રિકેટ વિશ્લેષકો તેને ભારતીય ક્રિકેટનો આગામી ‘સુપરસ્ટાર’ ગણાવી રહ્યા છે.


