Get The App

ટીમ ઈન્ડિયામાં ક્યારે પસંદ કરશો?' વૈભવ સૂર્યવંશી માટે મેદાને આવ્યા અજય જાડેજા, BCCIને કર્યો સીધો સવાલ!

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયામાં ક્યારે પસંદ કરશો?' વૈભવ સૂર્યવંશી માટે મેદાને આવ્યા અજય જાડેજા, BCCIને કર્યો સીધો સવાલ! 1 - image

Vaibhav Sooryavanshi: IPL 2026માં પોતાની બેટથી ધૂમ મચાવનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને હવે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ તેજ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાનું માનવું છે કે, આ યુવા બેટ્સમેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પોતાને સંપૂર્ણ રીતે સાબિત કરી દીધો છે. તેમણે ત્યાં સુધી ખુલાસો કર્યો કે, આઈપીએલ 2026ની ફાઇનલ દરમિયાન તેમણે ચેરમેન સાહેબ સાથે પણ વાતચીત કરી હતી.

વૈભવ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

વૈભવ સૂર્યવંશીએ આખી સીઝનમાં પોતાના આક્રમક બેટિંગ અંદાજથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેમણે 16 મેચમાં 776 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમની એવરેજ 48.50 અને સ્ટ્રાઈક રેટ 237.30નો રહ્યો હતો. પોતાના આ શાનદાર પ્રદર્શનના દમ પર તેણે ટૂર્નામેન્ટની ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી અને સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો.

વૈભવ સૂર્યવંશી માટે મેદાને આવ્યા અજય જાડેજા

જાડેજાનું માનવું છે કે, વૈભવે હવે સિલેક્ટર્સ સામે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. વૈભવ સૂર્યવંશી વિશે સવાલ પૂછાતા જ અજય જાડેજાએ તરત જ કહ્યું કે, 'ભાઈ, આનાથી સારું એ શું રમશે? મને તો ચેરમેન સાહેબ (નામ લીધા વિના, ઇશારો સિલેક્ટર્સ તરફ હતો) દેખાયા તો મેં તેમને કહ્યું કે આને અત્યારે ટીમમાં નહીં લેશો તો ક્યારે લેશો? એક વાત કહું, ઉંમર ભલે ગમે તે હોય, પણ ખેલાડી આનાથી સારું કેવું રમશે?'

વૈભવ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગીની માંગ એટલે પણ મજબૂત થઈ છે કારણ કે, તેણે માત્ર રન જ નહીં બનાવ્યા, પરંતુ સમગ્ર સીઝન દરમિયાન મેચનું પાસું પલટી નાખે તેવી ઇનિંગ્સ રમી છે. રાજસ્થાન રોયલ્સ ભલે ફાઈનલમાં જગ્યા ન બનાવી શકી, પરંતુ વૈભવનો પ્રભાવ આખી ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો હતો.

વૈભવે અનેક એવોર્ડ પોતાના નામે કર્યા

વૈભવના શાનદાર પ્રદર્શનને જોતા તેને આઈપીએલ 2026ના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેણે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. સીઝનના સમાપન સમારોહ (ક્લોઝિંગ સેરેમની) દરમિયાન તેમને અન્ય કેટલાક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ રહી કે વૈભવને પુરસ્કાર તરીકે એક SUV કાર પણ આપવામાં આવી છે. જોકે, 15 વર્ષની ઉંમર હોવાના કારણે તે આગામી ત્રણ વર્ષ સુધી કાયદાકીય રીતે તેને ચલાવી શકશે નહીં. આમ છતાં, આ સન્માન તેની શાનદાર સીઝનની એક મોટી ઓળખ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન

રેકોર્ડબ્રેક IPL અભિયાન બાદ વૈભવ સૂર્યવંશી દેશના સૌથી વધુ ચર્ચિત યુવા ક્રિકેટરોમાં સામેલ થઈ ચૂક્યો છે. ક્રિકેટ નિષ્ણાતો, રમતગમતના જાણકારો, પૂર્વ ખેલાડીઓ અને પ્રશંસકોનો એક મોટો વર્ગ તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માની રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે સિલેક્ટર્સ તેની સતત મજબૂત થઈ રહેલી દાવેદારી પર ક્યારે અને શું નિર્ણય લે છે.