Vaibhav Sooryavanshi Fastest Fifty Record: ભારત A એ રવિવારે (21 જૂન) શ્રીલંકા A ને 66 રનથી હરાવીને ત્રિકોણીય ODI સિરીઝ જીતી છે. ભારત A એ દામ્બુલામાં 377/9નો સ્કોર બનાવી શ્રીલંકા A ને 47.1 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ફાઈનલમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી હતી. જેમાં વૈભવે 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. IPL 2026માં શાનદાર પ્રદર્શન કરનાર 15 વર્ષીય સૂર્યવંશી ત્રિકોણીય સિરીઝની ચાર મેચોમાં ખાસ દેખાવ કરી શક્યો ન હતો. તેણે 14, 44, 21 અને 38 સ્કોર કર્યો. જોકે, ફાઇનલમાં સૂર્યવંશી એક અલગ જ ફોર્મમાં જોવા મળ્યો અને શ્રીલંકાના બોલરોને જોરદાર ટક્કર આપી હતી. તેણે 11 બોલમાં ફિફ્ટી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ફાઇનલ પછી સૂર્યવંશીએ કઠોર વાસ્તવિકતા સ્વીકારતા કહ્યું કે, સિરીઝની શરૂઆતની મેચોમાં તેની યોજનાઓને અમલમાં મૂકવામાં વૈભવ નિષ્ફળ ગયો હતો.
'હું જે ઇચ્છતો હતો, તે કરી શક્યો નહીં...'
પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા પછી સૂર્યવંશીએ કહ્યું, 'મેં વધારે વિચાર્યું ન હતું. હું પહેલી 10 ઓવરનો મહત્તમ ઉપયોગ કરવા માંગતો હતો. મેં બનાવેલી યોજનાને અમલમાં મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.'
શું સૂર્યવંશી દબાણમાં હતો કે નહીં તેના પર યુવા ખેલાડીએ જણાવ્યુ કે, 'કોઈ દબાણ નહોતું. જો કે, હું જે ઇચ્છતો હતો તે કરી શક્યો નહીં. તેથી મેં કોચ સાથે વાત કરી અને વ્યવહારમાં તે બાબતો પર કામ કર્યું. આજે યોજનાનો સંપૂર્ણ અમલ થયો અને રિઝલ્ટ આવ્યું. મેં સિરીઝમાંથી ઘણું શીખ્યું છે. મેં 50 ઓવરની ઘણી ક્રિકેટ રમી છે. લોકોને ખ્યાલ નથી. અલગ અલગ પરિસ્થિતિઓમાં, અલગ અલગ પીચ પર રમવાની મજા આવી.'
સૂર્યવંશીએ 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેના નામે હતો. વીરારત્ને 2005 માં 12 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. સૂર્યવંશી લિસ્ટ A ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી ફટકારવાની નજીક હતો, પરંતુ નવમી ઓવરમાં મિડ-ઓફ પર તે કેચ આઉટ થયો. તે સમયે ભારત Aનો સ્કોર 132 હતો.
પ્રથમ બેટિંગ કરતા સૂર્યવંશીની આક્રમક બેટિંગને કારણે ભારત A 400 સુધી પહોંચવા માટે તૈયાર દેખાતું હતું, પરંતુ શ્રીલંકા Aએ મધ્ય ઓવરમાં નોંધપાત્ર વાપસી કરી હતી. કેપ્ટન તિલક વર્માએ 90 બોલમાં 67 રન બનાવીને ટીમને ટકાવી રાખી હતી. આ દરમિયાન અનુકુલ રોયે 15 બોલમાં 39 અને વિપ્રજ નિગમે 20 બોલમાં 27 રન બનાવીને અંતિમ ઓવરોમાં ઝડપ વધારી હતી.


