Vaibhav Sooryavanshi On Sri Lankan Players : ભારત A અને શ્રીલંકા A વચ્ચે દાંબુલાના મેદાન પર રમાયેલી મેચમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. જેમાં ટીમ ઇન્ડિયાનો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી સુપર ઓવરમાં મેચ ફિનિશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે મેદાન પર જબરદસ્ત વિવાદ સર્જાયો હતો. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મેચ પૂરી થતાં હલાંબાગેએ વૈભવને કહ્યું, 'મેચ પૂરી થઈ ગઈ... ચલ હવે ઘરભેગો થા...' આમ, શ્રીલંકન ખેલાડીની આ વાત પર વૈભવ ભડક્યો હતો. જેમાં વૈભવ પોતાનો આપો ખોઈ બેઠો અને શ્રીલંકાના ખેલાડીઓ સાથે તેની ઉગ્ર તકરાર થઈ ગઈ હતી.
શ્રીલંકાના ખેલાડીઓ સાથે બાખડી પડ્યો વૈભવ
શ્રીલંકા Aની જીત થતાંની સાથે જ તેમના ખેલાડીઓ મેદાન પર જોરશોરથી વિજય ઉત્સવ મનાવવા લાગ્યા હતા. આ જશ્ન દરમિયાન શ્રીલંકાના એક ફિલ્ડરે કથિત રીતે ટિપ્પણી કરતાં વૈભવ સૂર્યવંશી અત્યંત નારાજ થઈ ગયો હતો. વૈભવ અને શ્રીલંકન ફિલ્ડર વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બંને એકબીજાની બિલકુલ નજીક આવી ગયા હતા.
પરિસ્થિતિ બગડતી જોઈને સૂર્યાંશ શેડગે દોડીને આવ્યો અને વૈભવને પાછળ તરફ ખેંચી ગયો હતો. જો કે, વૈભવ એટલો ગુસ્સામાં હતો કે તે મેદાન છોડવાના મૂડમાં બિલકુલ નહોતો. લાંબા હાઇ-ડ્રામા બાદ આખરે બંને ટીમના ખેલાડીઓએ પરસ્પાર ગરમજોશીથી હાથ મિલાવ્યા અને મામલો થાળે પડ્યો હતો.
મેચ ટાઇ થતાં સુપર ઓવર રમાઈ
તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારત A ટીમ સતત બીજી હારનો સામનો કરી રહી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારત A ટીમ 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે શ્રીલંકા A ટીમે પણ 265 રન બનાવ્યા, જેના કારણે મેચ ટાઇ થતાં સુપર ઓવર રમવામાં આવી હતી.
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકા A ટીમે 6 બોલમાં 17 રન બનાવ્યા, જેનાથી ભારત A ટીમને 18 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટાર્ગેટના પીછો કરતાં વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગે ફક્ત 9 રન બનાવી શક્યા હતા અને ભારત A ટીમ મેચ હારી ગઈ હતી.


