Vaibhav Sooryavanshi 93 off 38 Balls: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી નવો ઇતિહાસ રચી દીધો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોની બેરહેમ ધુલાઈ કરીને રાજસ્થાનને એક યાદગાર જીત અપાવી છે.
આ તો ફક્ત શરૂઆત છે...
નાની ઉંમરમાં જ અસંખ્ય લોકોની પ્રશંસા મેળવનાર વૈભવે જણાવ્યું કે, આ તો માત્ર શરૂઆત છે અને જો તેની કરિયર લાંબી રહેશે તો આ સિલસિલો આગળ પણ જારી રહેશે. હાલ તેનું સંપૂર્ણ ફોકસ રમત પર છે. આ મેચમાં વૈભવે શરૂઆત ભલે ધીમી કરી હતી, પરંતુ એકવાર લય પકડ્યા બાદ તેણે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોની જોરદાર ધુલાઈ કરી નાખી હતી; તે ચાલુ સીઝનમાં 50 છગ્ગા પણ ફટકારી ચૂક્યો છે અને ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે.
લખનઉનો 220 રનનો મોટો સ્કોર
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત શાનદાર રહી હતી. મિચેલ માર્શે 57 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે જોશ ઇંગ્લિસે 29 બોલમાં 60 રન ફટકારીને પ્રથમ વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી હતી. અંતમાં કેપ્ટન ઋષભ પંતના 35 રનની મદદથી લખનઉએ 20 ઓવરમાં 220/5 નો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
વૈભવ અને જયસ્વાલની તોફાની શરૂઆત
221 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને વૈભવ સૂર્યવંશી અને કાર્યવાહક કેપ્ટન યશસ્વી જયસ્વાલે આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 39 બોલમાં 75 રન જોડી દીધા હતા. જયસ્વાલના આઉટ થયા પછી પણ વૈભવનું તોફાન અટક્યું નહોતું. તેણે મેદાનની ચારેય તરફ શોટ્સ ફટકારીને માત્ર 38 બોલમાં 244 થી વધુના સ્ટ્રાઈક રેટથી 93 રન (10 છગ્ગા, 7 ચોગ્ગા) ઠોકી દીધા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલે અણનમ 53 રન બનાવીને 19.1 ઓવરમાં 225 રન સાથે રાજસ્થાનને 7 વિકેટે ભવ્ય જીત અપાવી હતી. આ જીત સાથે રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
વૈભવે ઓરેન્જ કેપ મેળવી અને બનાવ્યા મહારેકોર્ડ
ઓરેન્જ કેપ પર કબજો: વૈભવ હવે 13 મેચમાં 44.53 ની એવરેજથી 579 રન બનાવીને આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
સૌથી સર્વોચ્ચ સ્ટ્રાઈક રેટ (500+ રન): એક આઈપીએલ સીઝનમાં 500 થી વધુ રન બનાવવામાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 236.32 નો રહ્યો છે, જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ છે. તેણે 2019માં આન્દ્રે રસેલના 204.8 ના સ્ટ્રાઈક રેટના રેકોર્ડને તોડી નાખ્યો છે.
એક સીઝનમાં સૌથી વધુ સિક્સર: વૈભવ આ સીઝનમાં 53 છગ્ગા ફટકારી ચૂક્યો છે અને તે ક્રિસ ગેલ (59 સિક્સર, 2012) પછી બીજા સ્થાને પહોંચી ગયો છે.
ગેલના ખાસ રેકોર્ડની નજીક: આઈપીએલની એક ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર ફટકારવાનું કારનામું વૈભવે ત્રીજી વખત કર્યું છે. આ મામલામાં હવે તેનાથી આગળ માત્ર ક્રિસ ગેલ (4 વખત) છે.


