Get The App

U19 વર્લ્ડકપની પહેલી જ મેચમાં છવાયો ગુજરાતનો હેનિલ પટેલ, 5 વિકેટ ખેરવી બન્યો 'સ્વિંગનો કિંગ'

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
U19 વર્લ્ડકપની પહેલી જ મેચમાં છવાયો ગુજરાતનો હેનિલ પટેલ, 5 વિકેટ ખેરવી બન્યો 'સ્વિંગનો કિંગ' 1 - image


Image: Henil Patel

Who is Henil Patel: અંડર-19 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં જ ભારતીય યુવા ફાસ્ટ બોલર હેનિલ પટેલે પોતાની ઘાતક બોલિંગથી અમેરિકી બેટ્સમેનોને રીતસરના થથરાવી દીધા હતા. હેનિલે શરૂઆતથી જ યુએસએના બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું હતું અને નિયમિત અંતરે વિકેટો ઝડપી હતી. હેનિલની 5 વિકેટની મદદથી અમેરિકાની આખી ટીમ માત્ર 107 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીત માટે 108 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો છે.

કોણ છે હેનિલ પટેલ?

હેનિલ પટેલનો જન્મ 28 ફેબ્રુઆરી, 2007ના રોજ ગુજરાતના વલસાડમાં થયો હતો. 18 વર્ષીય હેનિલ અત્યારે ભારતીય અંડર-19 ટીમનો મુખ્ય બોલર છે. તે બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે અને તેની સટીક લાઇન-લેન્થ તેને વધુ ખતરનાક બનાવે છે. હેનિલે અગાઉ ઇંગ્લેન્ડ વિરુદ્ધ યૂથ ટેસ્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની યૂથ વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનના જોરે તેણે વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

હેનિલનું અત્યાર સુધીનું પ્રદર્શન

હેનિલે ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરુદ્ધ રમાયેલી એક ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત અંડર-19 ટીમ તરફથી રમે છે. જોકે, અગાઉ ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધની ફાઇનલમાં તેણે 2 વિકેટ ઝડપી હતી, પરંતુ તે મેચમાં ભારતનો પરાજય થયો હતો.

પહેલી જ મેચમાં હેનિલનો હાહાકાર

યુએસએ અંડર-19 વિરુદ્ધની આ મેચમાં હેનિલ પટેલે માત્ર 7 ઓવરની બોલિંગ કરી હતી, જેમાં કરકસરયુક્ત સ્પેલ નાખતા માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે અમરિંદર ગિલને આઉટ કરીને પ્રથમ સફળતા મેળવી હતી. ત્યારબાદ અર્જુન મહેશ, કેપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવ, અમોગ રેડ્ડી, સબ્રીશ પ્રસાદ અને રિષભ રાજને પેવેલિયન ભેગા કરી અમેરિકાની કમર તોડી નાખી હતી.

ભારતનું આગામી શેડ્યૂલ

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ-બીમાં સામેલ છે. આ ગ્રુપમાં ભારત અને અમેરિકા ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો પણ છે. ભારતની હવે પછીની મેચો

17 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

23 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ