Updated: May 24th, 2023
![]() |
Image : Twitter |
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર તેના નિર્ણયો માટે જાણીતા છે. કોઈપણ ખેલાડી કે કેપ્ટન માટે ધોનીનું મન વાંચવું શક્ય નથી. ગઈકાલે IPL 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈનો રોમાંચક રીતે 15 રને વિજય થયો હતો. આ મેચમાં ધોનીએ ચતુરાઈથી નિર્ણય કર્યો અને મેચનું પરિણામ જ બદલી નાખ્યુ હતું.
અમ્પાયરે પથિરાના પાસે બોલિંગ કરાવવાનો ઈનકાર કર્યો હતો
IPL 2023ની ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 15મી ઓવર પુરી થયા બાદ ધોની શ્રીલંકાના ફાસ્ટ બોલર પથિરાનાની બાકીની ત્રણ ઓવર કરાવવા ઇચ્છતો હતો પરંતુ અમ્પાયરે તે સમયે પથિરાને પાસે બોલિંગ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ માટેનું કારણ એ હુતં કે પથિરા 8 મિનિટથી વધુ સમય માટે મેદાનની બહાર હતો. IPLના નિયમો અનુસાર કોઈપણ બોલર જેટલો સમય ફિલ્ડિંગની બહાર હોય તેટલો સમય મેદાનની અંદર વિતાવ્યા બાદ જ બોલિંગ કરી શકે છે.
ધોનીએ 4 મિનિટ મેચ રોકીને મેચનું પરિણામ બદલાયું
ધોનીએ પહેલાથી જ પથિરાના પાસે બોલિંગ કરવાનું મન બનાવી લીધું હતું. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની અને ટીમના કેટલાક ખેલાડીઓ અમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન ધોનીએ અમ્પાયરને પૂછ્યું કે પથિરાના કેટલા સમય પછી બોલિંગ કરી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં અમ્પાયરે વધુ 4 મિનિટ બાદ બોલિંગ ફેંકવાનું કહ્યું હતું. ધોનીએ અમ્પાયરની સલાહ માનીને 4 મિનિટ માટે રમત રોકી અને બાદમાં પથિરાના પાસેથી બોલિંગ કરાવી હતી. જો કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બની હતી. આ સાથે મેચ જીતીને ચેન્નઈની ટીમ IPL 2023ના ફાઈનલમાં પહોંચી ગઈ હતી. IPLના ઈતિહાસમાં ચેન્નઈ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પહોંચી છે.