Get The App

T20I: કેપ્ટન તરીકે એક જ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટર, 172 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવો મુશ્કેલ!

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
Sikandar Raza and Aaron Finch

Top 5 Highest Individual Scores By Captains In T20I: T20 ક્રિકેટની દુનિયામાં એક કેહવત પ્રખ્યાત છે કે, 'સાચો કેપ્ટન એ છે જે સામેથી લીડ કરે'. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં એવી ઈનિંગ્સ રમાઈ છે કે જેમાં કેપ્ટનોએ ટીમને વિજય બનાવવાની સાથે શાનદાર બેટિંગથી રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. ચાલો આપણે આવા પાંચ કેપ્ટનો પર એક નજર કરીએ જેમણે એક જ ઈનિંગ્સમાં જબરદસ્ત રન બનાવ્યા. 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું નામ આ લિસ્ટમાં ટોચના સ્થાને છે. એરોને 3 જુલાઈ, 2018ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઝિમ્બાબ્વે સામે જે સિદ્ધિ મેળવી હતી તે ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ છે. જેમાં તેણે માત્ર 76 બોલમાં 172 રનની ઈનિંગ રમી હતા. આ ફક્ત કોઈ કેપ્ટન દ્વારા જ નહીં પરંતુ સમગ્ર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. એરોનની ઈનિંગમાં 16 ચોગ્ગા અને 10 જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 226.31 હતો. 

એરોન ફિન્ચ પછી બીજા ક્રમે સિકંદર રઝા

ઝિમ્બાબ્વેના કરિશ્માઈ કેપ્ટન સિકંદર રઝાએ 23 ઓક્ટોબર, 2024ના રોજ નૈરોબીના મેદાન પર માત્ર 43 બોલમાં 133 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં કુલ રનના સંદર્ભમાં રઝા ફિન્ચથી પાછળ રહ્યો છતાં તેનો 309.30નો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો. રઝાએ તેની ઈનિંગ દરમિયાન માત્ર 7 ચોગ્ગા, 15 છગ્ગા ફટકાર્યા હતા. રઝાની આ ઈનિંગ એ હકીકતનો પુરાવો આપે છે કે, આધુનિક T20 ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ જ અસલી તાકાત છે.

બેલ્જિયમનો નવો હીરો શહરયાર બટ

ક્રિકેટ જગતના દિગ્ગજો વચ્ચે બેલ્જિયમના કેપ્ટન શહરયાર બટનું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે. 29 ઓગસ્ટ, 2020ના રોજ ચેક રિપબ્લિક સામે રમતા શહરયારે માત્ર 50 બોલમાં 125 રન બનાવ્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 9 છગ્ગાથી ફટકારી ઈનિંગમાં 250.00નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો હતો. શહરયારે કેપ્ટન તરીકે તેની ટીમમાં જે તાકાત અને સ્થિરતા લાવી હતી તે આજે પણ એસોસિએટ નેશન્સ ક્રિકેટમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સિડનીમાં શેન વોટ્સનનો શાનદાર દેખાવ

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટ્સન હંમેશા માટે મોટી મેચનો ખેલાડી રહ્યો છે. 31 જાન્યુઆરી, 2016ના રોજ ભારત સામે સિડનીમાં તેણે કેપ્ટનની ઈનિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વોટ્સને 71 બોલમાં 124 રન કર્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા આખરે મેચ હારી ગયું હોવા છતાં વોટ્સનની બેટિંગે ભારતીય બોલરોને સખત મહેનત કરવા માટે મજબૂર કરેલા. જ્યારે વોટ્સનનો 174.64ના સ્ટ્રાઇક રેટ રહ્યો હતો.

આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનની શાનદાર બેટિંગ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ઘણીવાર તેની ક્લાસિક બેટિંગ શૈલી માટે પ્રખ્યાત છે. જો કે, 14 એપ્રિલ, 2021ના ​​રોજ સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે તેણે પોતાનો 'શક્તિશાળી અવતાર' બતાવ્યો હતો. જેમાં બાબરે ફક્ત 59 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં તેણે ફક્ત ચાર છગ્ગા, 15 ચોગ્ગા મારી 206.77ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.