ભારતમાં રમાનારો 50 ઓવરનો વર્લ્ડકપ છેલ્લો હશે ? શું બદલાવા જઈ રહ્યું છે ક્રિકેટનું ફોર્મેટ...
-ODI ક્રિકેટ હવે 40-40 ઓવરની હોવી જોઈએ
નવી દિલ્હી,તા. 14 માર્ચ 2023, મંગળવાર
આજના બદલાઈ રહેલા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં ક્રિકેટ રસિકો પણ હવે T20 ફોર્મેટને વધુ પસંદ કરવા લાગ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં હવે ભાગ્યે જ આજની પેઢીને રસ રહ્યો છે ત્યારે હવે બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે કે વનડે ક્રિકેટના ફોર્મેટમાં પણ મોટાપાયે ફેરફાર થવા જઈ રહ્યાં છે.
શું ક્રિકેટમાં નવું ફોર્મેટ આવશે ?
ગરમ બજારની હવાના સવાલો છે કે, શું ક્રિકેટમાં નવું ફોર્મેટ આવશે ? શું ODI ક્રિકેટમાં ફેરફાર થશે? શું હવે ODI મેચો 40 ઓવરની રમાશે? અત્યારે આ સવાલોના નક્કર જવાબ મેળવવા મુશ્કેલ છે, પરંતુ આ ફેરફારોની વાતો ચોક્કસપણે થવા લાગી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ODI ફોર્મેટને જીવંત રાખવા માટે તેમાં ફેરફારની તાતી જરૂર છે. તેમણે સલાહ આપી છે કે, ODI ક્રિકેટ હવે 40-40 ઓવરની હોવી જોઈએ. દિનેશ કાર્તિકે પણ શાસ્ત્રીના આ નિવેદનનું સમર્થન કર્યું છે.
દિનેશ કાર્તિકે કહ્યું કે, વનડે ક્રિકેટ તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે અને આ વર્ષનો વર્લ્ડ કપ છેલ્લી વખત 50 ઓવરનો હોઈ શકે છે તો રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિક આ રીતે કેમ વાત કરી રહ્યા છે ? આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું- ફોર્મેટ બદલો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ODI ક્રિકેટને બચાવવા માટે ભવિષ્યમાં તેને 40-40 ઓવર સુધી ઘટાડવી જોઈએ. શાસ્ત્રીએ કહ્યું હું આ ભારપૂર્વક એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે અમે 1983માં વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યારે મેચ 60 ઓવરની હતી. બાદમાં સમય જતા લોકોનો રસ ઓછો થતા ઓવરોની સંખ્યા ઘટાડીને 50 કરવામાં આવી હતી. મને લાગે છે કે હવે ODI ફોર્મેટને 40 ઓવર સુધી ઘટાડવાનો સમય આવી ગયો છે. નવા બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે.
વનડે ક્રિકેટ બોરિંગ બની ગયું છેઃ દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિકે રવિ શાસ્ત્રીની વાતને એક ડગલું આગળ લઈ જતા કહ્યું કે, લોકો ટેસ્ટ ક્રિકેટને જોવા માંગે છે, જે ક્રિકેટનું સર્વશ્રેષ્ઠ ફોર્મેટ છે. લોકો મનોરંજન માટે T20 જુએ છે પરંતુ 50 ઓવરની રમત કંટાળાજનક થવા લાગી છે. લોકો તેને 7 કલાક બેસીને જોવા માંગતા નથી એટલા માટે કાર્તિકને લાગી રહ્યું છે કે કદાચ ભારતમાં આયોજિત થનારો વર્લ્ડ કપ છેલ્લી વખત 50 ઓવરમાં રમાશે. હવે રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિકના શબ્દોમાં કેટલી શક્તિ છે અને ICC તેના વિશે શું વિચારે છે તે તો સમય જ જણાવશે.