ત્રણ વિકેટ પડતાં જ પાકિસ્તાની ખેલાડીઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા... તિલક વર્માનો ચોંકાવનારો દાવો
Tilak Varma statement: એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રનની મેચ વિજેતા ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવનાર યુવા બેટર તિલક વર્માની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. 28મી સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી હાઇ વોલ્ટેજ ફાઇનલમાં તિલક વર્માએ 53 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં વિજય અપાવ્યો હતો. ફાઇનલ હીરો તિલક વર્મા હવે ભારત પરત ફર્યા છે અને 29મી સપ્ટેમ્બરે જ્યારે તે હૈદરાબાદ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, 'હાલમાં પાકિસ્તાન ભારતની બરાબરીની સ્થિતિમાં નથી.'
પાકિસ્તાન સામેની મેચ અંગે તિલક વર્માએ શું કહ્યું...
મીડિયા સાથેની વાત કરતાં તિલક વર્માએ જણાવ્યું હતું કે, 'કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે સહમત છે કે ભારત અને પાકિસ્તાન હવે મુખ્ય હરીફ નથી. પાકિસ્તાન સામે અમારી ટીમ માટે મેચ નથી. જો કે, 147 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, તેમણે દબાણ અનુભવ્યું, પરંતુ ફક્ત દેશ તેમના મગજમાં હતો. 140 કરોડ ભારતીયો માટે મેચ જીતવી તેમની પ્રાથમિકતા હતી.'
ભારતના 2 વિકેટે 10 રન હતા ત્યારે તિલક વર્મા બેટિંગ કરવા આવ્યા હતા અને ટૂંક સમયમાં જ સ્કોર 3 વિકેટે 20 રન થઈ ગયો હતો. આ સ્થિતિ અંગે તિલક વર્માએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાની ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે ત્રણ વિકેટ ગુમાવતાં જ પાકિસ્તાની ખેલાડીઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા. પાકિસ્તાને ફાઇનલમાં ભારે સ્લેજિંગ કર્યું હતું, પરંતુ હું તેમાં ફસાઈ ન જવા માટે મક્કમ હતો કારણ કે મેચ જીતવી વધુ મહત્ત્વપૂર્ણ હતું.'