BCCI સાથે પંગો લેવો ભારે પડ્યો, પાકિસ્તાનના હાથમાંથી એશિયા કપની મેજબાની છીનવાઈ શકે
એશિયા કપના આયોજનને લઈને અથવા તેને શિફ્ટ કરવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી: સુત્રો
આ બેઠક ચાલુ વર્ષના માર્ચ મહિનામાં યોજાય તેવા સંકેત
Image: Twitter |
એશિયા કપને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન હવે આ આયોજનને લઈને કંઈ પણ બોલવાની સ્થિતિમાં નથી. ગત વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપમાં ભાગ નહીં લઇ શકે. શનિવારે બહેરીનમાં થયેલી એક મીટિંગમાં આ વર્ષે યોજાનાર એશિયા કપની ટુર્નામેન્ટ પર નિર્ણય લેવામાં આવનાર હતો. આ બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કેટલીક ખાસ વાતો સામે આવી હતી.
એશિયા કપની મેજબાની છીનવાય તેવી શક્યતાઓ
સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપના આયોજનને લઈને અથવા તેને શિફ્ટ કરવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી. તેને વધુ એક બેઠક માટે ટાળી દેવાયો છે. જ્યારે આગળની મીટિંગ થશે ત્યારે આ બાબતે છેલ્લો નિર્ણય લેવામાં આવશે. આ બેઠક ચાલુ વર્ષના માર્ચ મહિનામાં યોજાય તેવા સંકેત છે. પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાય તેવી શક્યતાઓ છે. માર્ચમાં થનારી મીટીંગમાં આયોજનને લઈને નિર્ણય લેવામાં આવશે.
એશિયા કપની મેજબાનીની જીદ પાકિસ્તાને છોડવી જ પડશે
BCCI પાકિસ્તાનમાં જઈને નહીં રમવાનો નિર્ણય બદલવાના મુડમાં નથી. એવામાં એશિયા કપની મેજબાનીની જીદ પાકિસ્તાને છોડવી જ પડશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુએઈમાં આ ટુર્નામોન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. આ બેઠકમાં એશિયા કપના વેન્યૂને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટને આપવામાં આવેલા વાર્ષિક બજેટ પર મોટી સહમતી થઈ હતી. બોર્ડના બજેટમાં 6 ટકાનો નફો કરવા પર સહમતી બની હતી. તેને 9 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે. બેઠકમાં ભાગ લઈ રહેલા તમામ અધિકારીઓએ મહિલા ક્રિકેટના વિકાસ પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી.