આજથી બિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ એશિઝ ટેસ્ટ
- એશિઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયા ફેવરિટ
- ઈંગ્લેન્ડને અપસેટ સર્જવાની આશા
બિસ્બેન,તા.૨૨ બુધવાર, નવેમ્બર 2017
ક્રિકેટ ઈતિહાસની બે પરંપરાગત હરિફો - ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ - વચ્ચે આવતીકાલથી આગવો ઇતિહાસ ધરાવતી એશિઝ ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો બિસ્બેનમાં શરૃ થશે. સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી હેઠળ હોમગ્રાઉન્ડ પર રમી રહેલું ઓસ્ટ્રેલિયા એશિઝ જીતવા માટે ફેવરિટ મનાય છે. જોકે રૃટની કેપ્ટન્સી હેઠળ ઓસ્ટ્રેલિયા આવેલી ઈંગ્લેન્ડની ટીમ પણ અણધારી લડત સાથે ઓસ્ટ્રેલિયાને હરાવીને અપસેટ સર્જવાનો ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ક્રિકેટરોના કેરેક્ટર, કોશલ્ય અને ટેમ્પરામેન્ટના ક્લાસિક 'ટેસ્ટ'ની ઝલક એશિઝ ટેસ્ટ શ્રેણીમાં જોવા મળશે તેવી આશા દુનિયાભરના ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે.
બિસ્બેનના ગાબ્બા સ્ટેડિયમમાં આવતીકાલે ૨૦૧૭ની એશિઝ શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મુકાબલો શરૃ થશે, ત્યારે ભારતમાં સવારના ૫.૩૦ વાગ્યા હશે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાની ટીમના દેખાવમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો છે, ત્યારે આ એશિઝ ટેસ્ટ શ્રેણી કેપ્ટન સ્ટીવ સ્મિથની કારકિર્દી માટે નિર્ણાયક સાબિત થશે તે નિશ્ચિત મનાય છે.
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ટક્કર આપવા માટે વોર્નર, શોન માર્શ, ખ્વાજા, હેન્ડસ્કોમ્બ, કેપ્ટન સ્મિથ જેવા બેટસમેનોને ઉતારવાની તૈયારી કરી લીધી છે. જોકે અગાઉની ઓસ્ટ્રેલિયાની ટીમોની તુલનામાં હાલની બેટીંગ લાઈનઅપ માત્ર બે જ બેટ્સમેનો પર આધારિત હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયા બૅનક્રોફ્ટને રમવા ઉતરશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
ઈંગ્લેન્ડની બેટીંગ લાઈનઅપની હાલત ઉત્સાહજનક તો નથી જ પણ ઓસ્ટ્રેલિયા કરતાં થોડી સારી છે. અનુભવી કૂક અને રૃટની સાથે મોઈન અલી તેમજ બારિસ્ટો જેવા બેટ્સમેનો ઈંગ્લેન્ડની લાઈનઅપનો આધાર છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સ્ટોનમેન, વિન્સે અને મલાન જેવા બેટ્સમેનોને પણ અજમાવવાની તૈયારીમાં છે.
સ્ટાર્ક-હેઝલવૂડ વિ. એન્ડરસન-બ્રોડ
એશિઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની બેટીંગમાં કાગળ પર તો ખાસ દમ લાગતો નથી, પણ બંને ટીમોની બોલિંગ પાવરફૂલ છે. એક તરફ ઓસ્ટ્રેલિયા સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સની ફાસ્ટ બોલિંગની ત્રિપુટી પર મદાર રાખી રહી છે. આ ત્રણેય ફાસ્ટ બોલરો વર્લ્ડ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ ઈંગ્લેન્ડનો મદાર સુપરસ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પર વિશેષ રહેશે. આ ઉપરાંત ક્રિસ વોક્સ અને જેક બોલના પર્ફોમન્સ પર ઈંગ્લેન્ડના ચાહકોની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા તેના ટોચના સ્પિનર લાયનને ઉતારશે તો તેની સામે ઈંગ્લેન્ડ સ્પિનર તરીકેની જવાબદારી મોઈન અલી સંભાળશે.
ઓસ્ટ્રેલિયા બ્રિસબેનમાં છેલ્લા ૨૮ વર્ષથી એક પણ ટેસ્ટ હાર્યું નથી
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની એશિઝની પ્રથમ ટેસ્ટ માટે બ્રિસબેનના ગાબ્બા મેદાન પર ખાસ પસંદગી ઉતારી છે. જાન્યુઆરી, ૧૯૮૯થી લઈને અત્યાર સુધી બ્રિસબેનમાં રમાયેલી ૨૯માંથી એક પણ મેચ ઓસ્ટ્રેલિયા હાર્યું નથી. અહી રમાયેલી ૨૧ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને સાત મેચ ડ્રો થઈ છે. સ્ટીવ સ્મિથને આશા છે કે, અહીથી તેઓ એશિઝ ટેસ્ટ શ્રેણીમાં વિજયી શરૃઆત કરશે અને ત્યાર બાદ પરંપરાગત હરિફને પછડાટ આપશે.
ઓસ્ટ્રેલિયા (સંભવિત) : વોર્નર, બૅનક્રોફ્ટ, ખ્વાજા, સ્મિથ (કેપ્ટન), હેન્ડસ્કોમ્બ, શોન માર્શ, ટીમ પેઈન (વિ.કી.), સ્ટાર્ક, કમિન્સ, લાયન, હેઝલવૂડ.
ઈંગ્લેન્ડ (સંભવિત) : કૂક, સ્ટોનમેન, વિન્સે, રૃટ (કેપ્ટન), મલાન, મોઈન અલી, બારિસ્ટો (વિ.કી.), વોક્સ, બોલ, બ્રોડ, એન્ડરસન.
વોર્નર અને માર્શની ઈજાથી ઓસી. ચિંતિત
એશિઝ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ ઓપનર ડેવિડ વોર્નર ઉપરાંત મીડલ ઓર્ડર બેટ્સમેન શોન માર્શની ઈજાના કારણે પરેશાન છે. વોર્નરે બ્રિસબેનમાં પ્રેક્ટિસ દરમિયાન ડોકમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજમેન્ટને તેના કવરઅપ માટે મેક્સવેલને ટીમમા સામેલ કર્યો હતો. જોકે એશિઝ ટેસ્ટના ગણતરીના કલાકો અગાઉ જ શોન માર્શે પીઢમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં યજમાની ટીમની મુશ્કેલી વધી હતી. હવે આવતીકાલથી શરૃ થનારી મેચમાં ઓસ્ટ્રેલિયા તેના બે નિયમિત ખેલાડીઓ વોર્નર અને શોન માર્શ સાથે રમવા ઉતરે છે કે, પછી તેમને મેક્સવેલને રમાડવાની ફરજ પડે છે. તે જોવાનું રહેશે.
એશિઝ શ્રેણી : ફેક્ટ ફાઈલ
* ૧૯૮૮ થી ઓસ્ટ્રેલિયા બ્રિસબેનના ગાબ્બા મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યું નથી.
* ઈંગ્લેન્ડ ૧૯૮૬થી બ્રિસબેનના ગાબ્બા મેદાન પર એક પણ ટેસ્ટ જીત્યું નથી.
* છેલ્લી પાંચમાંથી ચાર એશિઝ ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડ જીતી ચૂક્યું છે. ૨૦૧૩-૧૪ની એકમાત્ર સિરિઝ ઓસી. જીત્યું હતુ.
* ૨૦૧૫માં એશિઝ હારેલી ઓસી. ટીમમાં સામેલ સ્મિથ, વોર્નર, લાયન, હેઝલવૂડ, માર્શ અને સ્ટાર્ક હાલની ટીમમાં છે.
* છેલ્લે ૨૦૧૫માં એશિઝ જીતનારી ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કૂક, રૃટ, બારિસ્ટો, મોઈન, બ્રોડ અને બારિસ્ટો હાલની ટીમમાં છે.
* જો શ્રેણીમાં લાયન ૨૩ વિકેટ ઝડપશે તો ક્રેગ મેકડેરમોટની આગળ નીકળી જશે અને ઓસ્ટ્રેલિયાના ઓલ ટાઈમ વિકેટ ટેકર્સમાં છઠ્ઠું સ્થાન મેળવશે.