Sports

IPL-2027ના મિની ઓક્શનની તારીખ આવી સામે, વિદેશમાં નહીં, દેશમાં હરાજી, જાણો ક્યારે અને ક્યાં લાગશે બોલી?

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
આઈપીએલ 2027 સીઝન માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવાના આઇટીસી ગ્રાન્ડ હોટલમાં યોજાશે. 3 વર્ષ પછી ભારતમાં યોજાનાર આ ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. BCCIની લોજિસ્ટિક્સ ટીમે વોટ્સએપ દ્વારા ટીમોને જાણ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે જ દિવસે ભારત-શ્રીલંકા વન-ડે મેચ પણ રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL-2027ના મિની ઓક્શનની તારીખ આવી સામે, વિદેશમાં નહીં, દેશમાં હરાજી, જાણો ક્યારે અને ક્યાં લાગશે બોલી?

IPL 2027 Mini Auction Date : આઈપીએલના ચાહકો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2027 સિઝન માટે યોજાનાર મિની ઓક્શનની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની લોજિસ્ટિક્સ ટીમ તરફથી મળેલી માહિતી મુજબ, આ વખતે ખેલાડીઓની બોલી વિદેશમાં નહીં પરંતુ આપણા દેશમાં જ અને ગોવામાં યોજાશે.

ગોવાના આ લક્ઝરી હોટેલમાં યોજાશે ઓક્શન

ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL 2027નું આ મિની ઓક્શન આ વર્ષે 16 ડિસેમ્બરે ગોવાની જાણીતી આઇટીસી ગ્રાન્ડ હોટલમાં યોજાશે. જોકે, હજુ સુધી તમામ ફ્રેન્ચાઇઝીના માલિકો અને CEOને કોઈ સત્તાવાર ઈમેઇલ મોકલવામાં આવ્યો નથી.

વ્હોટ્સએપ દ્વારા આપવામાં આવી જાણકારી

BCCIની લોજિસ્ટિક્સ ટીમે ટીમોને પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા માટે વ્હોટ્સએપ મેસેજ દ્વારા આ માહિતી આપી દીધી છે. આ સાથે જ ઓક્શનના બરાબર એક દિવસ અગાઉ એટલે કે 15 ડિસેમ્બરે તે જ સ્થળે એક ખાસ ઓક્શન બ્રીફિંગનું આયોજન પણ કરવામાં આવશે, જેથી બધી ફ્રેન્ચાઇઝી પોતાની તૈયારીઓ મજબૂત કરી શકે.

3 વર્ષ પછી ભારતમાં યોજાશે ઓક્શન

સૌથી ખાસ વાત એ છે કે, આઈપીએલનું ઓક્શન પૂરા ત્રણ વર્ષના લાંબા સમય પછી ફરીથી ભારતની ધરતી પર પાછું ફરી રહ્યું છે. આ પહેલા વર્ષ 2023ના ઓક્શનની યજમાની ભારતે કરી હતી. ત્યારબાદ સતત ત્રણ વર્ષ સુધી ઓક્શન વિદેશોમાં જ યોજાયા હતા; જેમાં વર્ષ 2024માં દુબઈ, વર્ષ 2025માં જેદ્દા(મેગા ઓક્શન) અને વર્ષ 2026માં અબુધાબીએ યજમાની સંભાળી હતી.

આરસીબી ડિફેન્ડિંગ ચેમ્પિયન

આપને જણાવી દઈએ કે, રજત પાટીદારની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેમણે સતત બે વર્ષ(2025 અને 2026)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે 16 ડિસેમ્બરે ગોવામાં થનાર આ મિની ઓક્શનમાં કઈ ટીમ કયા મોટા ખેલાડી પર દાવ લગાવીને પોતાની ટીમને વધુ મજબૂત બનાવે છે.

ઓક્શનના દિવસે જ ભારતની મેચ પણ યોજાશે

રસપ્રદ વાત એ છે કે, ઓક્શનની આ તારીખ એ જ દિવસે આવી રહી છે જે દિવસે બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ રમાવાનું નક્કી છે. શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને અનેક અન્ય સીનિયર સ્ટાર ખેલાડીઓ મેદાન પર તો ગોવામાં ફ્રેન્ચાઇઝીઓ હરાજીમાં વ્યસ્ત જોવા મળશે.